VIDEO : પાર્થ ભૂતે રચ્યો ઈતિહાસ, 10 વિકેટ ઝડપી સૌરાષ્ટ્રને અપાવી ભવ્ય જીત, આસામની શરમજનક હાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ranji Trophy : રણજી ટ્રોફી એલિટ ગ્રુપ B ની મેચમાં ડાબોડી સ્પિનર પાર્થ ભૂતના દમદાર પ્રદર્શનના બળે સૌરાષ્ટ્રે આસામને એક ઇનિંગ્સ અને 12 રને પરાજય આપ્યો છે. ત્રીજા દિવસે જ આસામના 65 રનમાં 7 વિકેટ ઝડપી લીધા બાદ સૌરાષ્ટ્રની જીત માત્ર ઔપચારિકતા રહી ગઈ હતી. આસામની આખી ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 94 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇનિંગ્સથી મોટી જીત નોંધાવવા બદલ સૌરાષ્ટ્રને એક બોનસ પોઈન્ટ પણ મળ્યો છે, જેના કારણે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે.
પ્રથમ ઇનિંગ્સમાં બંને ટીમોનું પ્રદર્શન
મેચની પ્રથમ ઇનિંગ્સમાં આસામે 281 રન બનાવ્યા હતા, જેમાં સિબશંકર રોયે સદી ફટકારી હતી અને કેપ્ટન ડેનિશ દાસે 90 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી કેપ્ટન જયદેવ ઉનડકટે 3 વિકેટ, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પાર્થ ભૂતે 2-2 વિકેટ લીધી હતી. આના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઇનિંગ્સમાં 387 રન બનાવીને 106 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી હતી. સૌરાષ્ટ્ર માટે હેત્વિક કોટકે 80 રન અને પ્રેરક માંકડે 76 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

પાર્થ ભૂતે ઝડપી મેચમાં કુલ 10 વિકેટ
106 રનની લીડ સામે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી આસામની ટીમ પાર્થ ભૂતની સ્પિન જાળ સામે ટકી શકી નહોતી. પાર્થ ભૂતે તરખાટ મચાવતા માત્ર 7 રનની અંદર 6 વિકેટો ઝડપી લીધી હતી. તેમણે કુલ 18 ઓવરમાં 10 મેડન ફેંકી માત્ર 17 રન આપીને 8 વિકેટ ઝડપી લીધી હતી. મેચમાં કુલ 10 વિકેટ ઝડપીને તેમણે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ સાથે મેચમાં કુલ 4 વિકેટ મેળવી હતી. આસામની બીજી ઇનિંગ્સ 44 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે સૌરાષ્ટ્રના 3 મેચમાં 1 જીત અને 2 ડ્રો સાથે કુલ 12 પોઈન્ટ્સ થઈ ગયા છે.
કર્ણાટકની ઇનિંગ્સથી જીત, પંજાબ-હૈદરાબાદ મેચ ડ્રો
અન્ય એક મેચમાં કર્ણાટકે પણ ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 116 રનથી હરાવીને 7 પોઈન્ટ્સ પોતાના નામે કર્યા હતા. ત્રિપુરાએ પ્રથમ ઇનિંગ્સમાં 194 અને બીજી ઇનિંગ્સમાં 180 રન કર્યા હતા, જ્યારે કર્ણાટકે 9 વિકેટે 490 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. શ્રેયસ ગોપાલે બીજી ઇનિંગ્સમાં 36 રન આપી 5 વિકેટ લીધી હતી. બીજી તરફ સિકંદરાબાદ ખાતે પંજાબ અને હૈદરાબાદ વચ્ચેનો મુકાબલો ડ્રો રહ્યો હતો, જેમાં પંજાબે 6 વિકેટે 240 રને પોતાની બીજી ઇનિંગ્સ ડિકલેર કરી હતી.




