Get The App

ઈંગ્લેન્ડ જશે વૈભવ સૂર્યવંશી, U-19 ભારતીય ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રે કેપ્ટન

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
ઈંગ્લેન્ડ જશે વૈભવ સૂર્યવંશી, U-19 ભારતીય ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રે કેપ્ટન 1 - image


Vaibhav suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સીરિઝમાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત જેવા મોટા ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમતા દેખાશે. પરંતુ આ વચ્ચે વૈભવ સૂર્યવંશીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વૈભવ સૂર્યવંશી પણ ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે.  BCCIની જુનિયર સિલેક્શન કમિટિએ ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત કરી દીધી છે. 16 સભ્યોની આ ટીમમાં એક નામ વૈભવ સૂર્યવંશીનું છે.

હવે ઈંગ્લેન્ડ ફતેહની તૈયારી: વૈભવ સૂર્યવંશી

ભારતની અંડર-19 ની 16 સભ્યોની ટીમની કમાન આયુષ મ્હાત્રેના હાથમાં છે. IPL 2025માં આયુષ અને વૈભવ બંને માત્ર રમ્યા જ નથી પરંતુ તેમનો જલવો પણ જોવા મળ્યો છે. IPLમાં ધમાલ મચાવ્યા બાદ તે હવે તેમની નજર ઈંગ્લેન્ડમાં ભારત માટે અંડર-19 ક્રિકેટ જીતવા પર છે. આ વાતનો ખુલાસો ખુદ વૈભવ સૂર્યવંશીએ કર્યો છે.

IPL 2025 માં રાજસ્થાન રોયલ્સની સફર પૂરી થયા બાદ વૈભવ સૂર્યવંશીએ રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ જ વાતચીત દરમિયાન વૈભવ સૂર્યવંશીએ દ્રવિડને પોતાનો આગળનો પ્લાન જણાવ્યો. તેણે કહ્યું કે હવે મારે ઈન્ડિયા અંડર-19 કેમ્પમાં જોડાવાનું છે અને તેને જીતાડવાની તૈયારી કરવાની છે. 

24 જૂનથી શરૂ થશે ઈન્ડિયા અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ

અંડર-19ની સીરિઝ 24 જૂનથી શરૂ થશે અને 23 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સાથે 50 ઓવરની વોર્મ-અપ મેચ રમવા ઉપરાંત ભારતની અંડર-19 ટીમ 5 વનડેની સીરિઝ અને 3 મલ્ટી-ડે મેચ પણ રમશે.

આ પણ વાંચો: IPL-2025માં દમદાર પરફોર્મન્સના જોરે યુવા વૈભવ- મ્હાત્રે ચર્ચામાં, શું ટીમ ઈન્ડિયાને મળી ગયા ભાવિ ઓપનર?

બીજી તરફ પ્રવાસના શેડ્યૂલની વાત કરીએ તો 24 જૂને 50 ઓવરની વોર્મ-અપ મેચ રમાશે. 27 જૂનથી 7 જુલાઈ દરમિયાન 5 વનડે મેચ રમાશે. પહેલી મલ્ટી-ડે મેચ 12 થી 15 જુલાઈ દરમિયાન રમાશે, જ્યારે બીજી મલ્ટી-ડે મેચ 20થી 23 જુલાઈ દરમિયાન રમાશે.

ભારતની અંડર-19 ટીમના 16 ખેલાડી

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, એમ. ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડૂ (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), હરવંશ સિંઘ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, યુધ્ધજીત ગુહા, પ્રણવ રાગવેન્દ્ર, મોહમ્મદ ઈનાન, આદિત્ય રાણા, અનમોલજીત સિંહ. 

Tags :