Get The App

IPL-2025માં દમદાર પરફોર્મન્સના જોરે યુવા વૈભવ- મ્હાત્રે ચર્ચામાં, શું ટીમ ઈન્ડિયાને મળી ગયા ભાવિ ઓપનર?

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
IPL-2025માં દમદાર પરફોર્મન્સના જોરે યુવા વૈભવ- મ્હાત્રે ચર્ચામાં, શું ટીમ ઈન્ડિયાને મળી ગયા ભાવિ ઓપનર? 1 - image


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશી અને 17 વર્ષના આયુષ મ્હાત્રેને પોત-પોતાની IPL ટીમો માટે તક મળતા જ તેમણે તબાહી મચાવી દીધી. બંને વચ્ચે એક શાનદાર કનેક્શન પણ છે. 

વાસ્તવમાં બંને અંડર-19 ક્રિકેટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યા છે. બંને ગત વર્ષે ભારતીય ટીમ માટે 'એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-19 એશિયા કપ'માં રમવા ઉતર્યા હતા, ત્યારે આ બે યુવા તુર્કોએ ઈનિંગની ઓપનિંગ કરી હતી.

શું ટીમ ઈન્ડિયાને મળી ગયા ભાવિ ઓપનર?

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું આ બંને યુવા ક્રિકેટર ટીમ ઈન્ડિયાના ભવિષ્યના ઓપનર હોય શકે છે. જોકે, આ અંગે કંઈ પણ કહેવું હમણા વહેલું હશે, પરંતુ તેમ છતાં આ બંને જ ખેલાડીઓએ બેખૌફ થઈને IPLમાં બેટિંગ કરી છે, તેનાથી એ વાત તો નક્કી છે કે, આ બંને ખેલાડીઓ લાંબી રેસના ઘોડા સાબિત થઈ શકે છે. બસ હવે તેમણે પોતાની ક્રિકેટિંગ સ્કિલ્સને વધુ નિખારવાની જરૂર છે. અને ફોકસ ક્રિકેટ પર રહેવું જોઈએ ન કે ગેમના ગ્લેમર પર. તો ચોક્કસપણે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં દેખાય રહ્યું છે.

વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સૌથી વધુ ચર્ચામાં

IPLની આ સીઝન ઘણા મોટા સ્ટાર્સ માટે ખાસ રહી છે, પરંતુ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. આનું એક કારણ બંનેની નાની ઉંમર છે. 14 વર્ષના વૈભવે પોતાની આક્રમક બેટિંગથી બધાને ચોંકાવી દીધા, તો બીજી તરફ 17 વર્ષના આયુષ મ્હાત્રેએ પણ ધીરજ અને ક્લાસ સાથે પોતાના સ્ટ્રોક્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આયુષને 30 લાખ રૂપિયાની કિંમતે ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સે વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જો જોવા જઈએ તો બંને જ ખેલાડીઓને પોતાની ટીમમાં તક ત્યારે મળી જ્યારે તેમના કેપ્ટન ઈન્જર્ડ થયા. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો ત્યારે વૈભવને તક મળી, જ્યારે ઋતુરાજની જગ્યાએ આયુષને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ખાસ વાત એ છે કે આ બંને ખેલાડીઓને ઓપનિંગ સ્લોટમાં રમવાની તક મળી છે. વૈભવની પ્લેઈંગ સ્ટાઈલ પહેલા જ બોલ પર એટેક કરીને રમવાની છે. જ્યારે આયુષ તેનાથી વિપરીત થોડો સાવધાનીપૂર્વક રમે છે.

વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 19 એપ્રિલ 2025ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPLની વર્તમાન સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની  IPL ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી અને 20 બોલમાં 34 રન બનાવ્યા હતા. 28 એપ્રિલ 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ સામે તેણે માત્ર 38 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી હતી. તે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ 32 દિવસ) પણ બન્યો. આ પછી તો તમામે વૈભવના વખાણ કર્યા.

આયુષ મ્હાત્રેનું ડેબ્યૂ

બીજી તરફ આયુષે 20 એપ્રિલ 2025ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જ્યાં તેણે ૩૦ રનની ધ્યાન ખેંચનારી ઈનિંગ રમી. જોકે, આ મેચમાં તે ત્રીજા નંબરે રમવા ઉતર્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સનું દુર્ભાગ્ય તો જુઓ, IPLના ઇતિહાસની બની પહેલી ટીમ જેણે બનાવ્યો અણગમતો રેકોર્ડ

ત્યારબાદ  25 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઓપનિંગ કરતી વખતે તેણે 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. પરંતુ IPLમાં તેની શાનદાર ઈનિંગ 3 મેના રોજ RCB સામે આવી. જ્યાં તેણે 48 બોલમાં 94 રન બનાવ્યા. આ મેચમાં ચેન્નઈનો માત્ર 2 રનથી પરાજય થયો હતો. પણ આયુષે તમામના દિલ જીતી લીધા.

હાલમાં આયુષે અત્યાર સુધીમાં 6 મેચમાં 206 રન બનાવ્યા છે. જ્યાં તેની એવરેજ 34.33 અને સ્ટ્રાઈક રેટ 187.27 રહ્યો છે. જ્યારે વૈભવ સૂર્યવંશીએ 7 મેચમાં 252 રન બનાવ્યા છે અને તેની એવરેજ 36.00 અને સ્ટ્રાઈક રેટ 206.55 રહ્યો છે.

બીજી તરફ ચેન્નઈની એક મેચ ગુજરાત સામે બાકી છે, આવી સ્થિતિમાં આયુષના આંકડામાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ રાજસ્થાન નવમાં સ્થાન પર રહ્યું અને તેની સફર ખતમ થઈ ચૂકી છે. જોકે, એક વાત છે કે જો આયુષ અને વૈભવ બંને આ રીતે જ કંસિસ્ટેન્ટ રહેશે, તો લેફ્ટ રાઈટની જોડી ભવિષ્યમાં અકબંધ રહેશે. 

Tags :