મોટો ખુલાસો: 2022માં ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો તિલક વર્મા, ક્રિકેટથી લેવો પડ્યો હતો બ્રેક

Tilak Verma : ટીમ ઈન્ડિયાના 2025ના એશિયા કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર તિલક વર્માએ તાજેતરમાં જ પોતાના કરિયરની સૌથી પડકારજનક સમયનો ખુલાસો કર્યો હતો. 22 વર્ષીય ડાબોડી બેટરે ખુલાસો કર્યો કે, 2022માં તેમને રેબડોમાયોલિસિસ (Rhabdomyolysis) નામની દુર્લભ બીમારીનું નિદાન થયું હતું, જે સ્નાયુઓને ઝડપથી કમજોર બનાવે છે અને તૂટવાનું કારણ બને છે. વર્ષ 2022માં આ ગંભીર બીમારીના કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો હતો.
'આ મારા માટે એક મોટો પડકાર હતો'
તિલક જણાવ્યું કે, 'આ મારા માટે એક મોટો પડકાર હતો, અને મારી ફિટનેસ અને કરિયર બંને માટે લડવું પડ્યું હતું.' તિલક મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને માલિક આકાશ અંબાણીનો આભાર માન્યો હતો કે, તેઓએ તેમના સ્વાસ્થ્ય માટે બનતી દરેક મદદ કરી હતી.
વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે
તિલક વર્માએ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. 2024ની સીઝન પહેલા ટીમ દ્વારા તેમને જાળવી રાખવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં તેમના શાનદાર અને પ્રભાવશાળી પ્રદર્શનથી તેમને ભારતીય ટીમમાં પહોંચવામાં મદદ મળી હતી.
તિલકે વધુમાં આગળ જણાવ્યું કે, 'હું આરામના દિવસોમાં પણ સખત મહેનત કરતો હતો અને જીમમાં સતત તાલીમ લેતો હતો. જોકે, તેના કારણે મારા સ્નાયુઓને પૂરતો આરામ ન મળ્યો અને મારી સ્થિતિ ગંભીર બની હતી. જ્યારે સમસ્યા વધુ વણસી ત્યારે આકાશ અંબાણીએ તરત જ જય શાહને જાણ કરી. એ પછી મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે જરાપણ વિલંબ કર્યો હોત તો ગંભીર પરિણામો આવી શકતા હતા. 2022માં થયેલી આ ગંભીર બીમારીના કારણે મારે ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો હતો.'
આ પણ વાંચો: Hockey World Cup : પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું
તિલકના કરિયરની સૌથી મોટી ક્ષણ
તિલકના કરિયરની સૌથી મોટી ક્ષણ ત્યારે આવી, જ્યારે તેણે એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાન સામે મેચ-વિનિંગ ઇનિંગ રમી. આ પ્રદર્શનથી તેને ભારતીય ક્રિકેટમાં કાયમી સ્થાન મળ્યું હતું. તિલક વર્મા હવે ઓસ્ટ્રેલિયા સામે ભારતની આગામી પાંચ મેચની T20 શ્રેણીમાં રમતા જોવા મળશે. તેની સાથે જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ જોડાશે.

