'સૌ કોઈને એમ હતું કે આજે ફેરવેલ મેચ હતી...', રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની વાતચીતનો વીડિયો વાઇરલ

IND VS AUS ODI Series: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝની બીજી મેચમાં પણ હારનો સામનો કર્યો છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરિઝ હાથમાંથી ગુમાવી છે. બીજી મેચ બાદ ટીમ ઇન્ડિયા પોતાની હોટલ પહોંચી ત્યારે ત્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા સાથે તેની ફેરવેલ મેચની વાત કરતો જોવા મળે છે. આ વાતચીતથી લાગી રહ્યું હતું કે, રોહિત હવે વનડે મેચમાંથી પણ સંન્યાસ લેશે.
એડિલેટમાં રમાયેલી બીજી મેચ દરમિયાન પીચ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી. ટીમ ઇન્ડિયાએ શરુઆતમાં જ શુભમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. રન રેટ પણ ઘણો ધીમો હતો. એવામાં રોહિતે શ્રેયસ અય્યરની સાથે મળી રન બનાવ્યા હતા. રોહિતે આ મેચમાં 73 રન ફટકાર્યા હતા. જો કે, આ મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ગંભીરે હિટમેન સાથે કરી વાત
મેચ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા જ્યારે હોટલ પહોંચી, ત્યારે લોબીમાં એક વ્યક્તિ રોહિત સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે રોહિતની પાછળથી આવી રહેલા હેડ કોચ ગંભીરે કહ્યું કે, રોહિત બધાને લાગી રહ્યું હતું કે, આ ફેરવેલ મેચ હતી, એક ફોટો તો લગાવવાનો હતો.
દિગ્ગજ ક્રિકેટર્સ લેશે સંન્યાસ
ઉલ્લેખનીય છે, મીડિયા રિપોર્ટ્સમાં વાત વહેતી થઈ હતી કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ રોહિત અને કોહલીની અંતિમ વનડે સીરિઝ છે. બંને વનડે મેચમાંથી પણ રિટાયરમેન્ટ લેવાના છે. ગત વર્ષે બંનેએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. આ વર્ષે મેમાં ટેસ્ટને પણ અલવિદા કહ્યું હતું. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આ બંને દિગ્ગજ ક્રિકેટર્સ 2027માં રમાનારી વનડે વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં.
રોહિતે ઉમદા પર્ફોર્મન્સ આપ્યું
એડિલેટની પીચ પર રોહિતે 97 બોલ પર સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર સાથે પાર્ટનરશીપમાં 77 બોલમાં 61 રન બનાવી ઉમદા પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે કુલ 118 રન બનાવ્યા હતાં. બંનેની શ્રેષ્ઠ પાર્ટનરશીપના કારણે ભારત નવ વિકેટના નુકસાન પર 264 રન બનાવવા સફળ રહ્યું હતું.

