Sports

વિવાદિત રન આઉટ અંગે તિલક વર્માએ મૌન તોડ્યું, કહ્યું- 'મને અને અક્ષરને લાગ્યું કે...'

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી T20માં તિલક વર્માના રનઆઉટ અંગે ઘણી ચર્ચા થઈ હતી. 17મી ઓવરમાં અક્ષર પટેલે ફ્લિક શૉટ માર્યો, જે બાઉન્ડ્રી નજીક ફિલ્ડર પાસેથી છટકીને કુશન પાસે પહોંચ્યો. તિલક અને અક્ષરને લાગ્યું કે ફોર છે, તેથી તેઓ રન લેવા અટક્યા. ફિલ્ડરે બોલ ફેંકતા તિલક આઉટ થયા. તિલકે કહ્યું કે બંનેને ફોર લાગી હતી, મેં બોલ જોયો નહોતો. આવી ઘટનાઓ ક્રિકેટમાં બનતી રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદિત રન આઉટ અંગે તિલક વર્માએ મૌન તોડ્યું, કહ્યું- 'મને અને અક્ષરને લાગ્યું કે...'

Tilak Varma on Runout: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તિલક વર્મા આઉટ થયા, તેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તિલકની ટીકા પણ થઈ હતી અને વેસ્ટ ઇન્ડિઝની ટીમની ભાવનાને લઈને પણ કેટલાક સવાલો ઊઠ્યા હતા. જો કે, આ ઘટનામાં ભારતીય બેટ્સમેનોની ભૂલ હોવાનું માનવામાં આવ્યું હતું. ક્રિકેટના નિયમો અનુસાર, બોલ બાઉન્ડ્રી પાર ન જાય ત્યાં સુધી અથવા કોઈ શંકા હોય તો પણ બેટ્સમેનોએ ક્રીઝમાં રહેવું જોઈએ. પરંતુ તિલક વર્માને લાગ્યું હતું કે, બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો છે. તેથી તેમણે રન ન લીધો અને રનઆઉટ થયા. હવે ચોથી T20 મેચ પહેલાં તિલકે આ ઘટના અંગે નિવેદન આપ્યું છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ત્રીજી T20 મેચની 17મી ઓવરમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી અને ક્રીઝ પર અક્ષર પટેલ હાજર હતા. ગુડાકેશ મોતીની બોલિંગમાં અક્ષરે સ્ક્વેર લેગની દિશામાં ફ્લિક શૉટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રીની નજીક પહોંચ્યો, જ્યાં કેમિલ પૂરણ ફિલ્ડિંગ કરી રહ્યા હતા. તેમણે ડાઇવ લગાવીને બોલ રોક્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી છટકીને બાઉન્ડ્રી કુશન પાસે પહોંચી ગયો.

આ દરમિયાન અક્ષર પટેલ અને તિલક વર્માને લાગ્યું કે બાઉન્ડ્રી થઈ ગઈ છે, તેથી બંનેએ વચ્ચે જ રન લેવાનું માંડી વાળ્યું. બીજી તરફથી ફેંકવામાં આવેલો થ્રો વિકેટકીપર પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં અક્ષર ક્રીઝમાં પહોંચી ગયા હતા, પરંતુ તિલક ધીમે-ધીમે બીજા છેડા તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદ વિકેટકીપરે બોલ બોલરને આપ્યો અને બોલરે નૉન-સ્ટ્રાઇકરના છેડાની વિકેટ ઉખાડી નાંખી. આ રીતે તિલક વર્મા રનઆઉટ થયા હતા.

તિલક વર્માએ શું કહ્યું?

ચોથી T20 મેચ પહેલાં ભારતના ઉપકપ્તાન તિલક વર્માએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અક્ષર અને મને બંનેને એવું જ લાગ્યું હતું કે, આ બાઉન્ડ્રી છે, તેથી હું ચાલતો જઈ રહ્યો હતો. કમનસીબે, બોલ અક્ષર હતો ત્યાં ફેંકવામાં આવ્યો અને તેને બોલ દેખાઈ ગયો. મેં બોલ જોયો નહોતો. મને લાગ્યું હતું કે ફોર વાગી છે, તેથી હું ચાલતો જઈ રહ્યો હતો. જો કે, ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે.’

વેસ્ટ ઇન્ડિઝ માટે ચોથી T20 કરો યા મરો જેવી

ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 14 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. હવે ચોથી મેચ વેસ્ટ ઇન્ડિઝ માટે વધુ મહત્ત્વની બની ગઈ છે. શ્રેણીમાં ટકી રહેવા માટે કેરેબિયન ટીમે આ મેચ જીતવી જરૂરી છે.