41 બોલમાં સદી ફટકારનારો દ. આફ્રિકાનો સૌથી યુવા બેટર, જાણો બીજા કયા રૅકોર્ડ સર્જાયા
Dewald Brevis: દક્ષિણ આફ્રિકાના યુવા બેટર ડેવાલ્ડ બ્રેવિસે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ધમાકેદાર પ્રદર્શન આપી સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાના ડાર્વિનમાં રમાયેલી મેચમાં આફ્રિકાના આ યુવા રાઇટહેન્ડ બેટરે તેની કારકિર્દીની બેસ્ટ ઇનિંગ રમી હતી. બ્રેવિસે 41 બોલમાં સદી ફટકારી T20માં ઇતિહાસ રચ્યો છે. તેણે તોફાની ઇનિંગ રમી ઘણાં રૅકોર્ડ તોડી નાખ્યા. T20માં બ્રેવિસ સદી ફટકારનાર સૌથી યુવા આફ્રિકન બેટર બની ગયો છે. જણાવી દઈએ કે બ્રેવિસ માત્ર 22 વર્ષનો છે. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલીવાર સદી ફટકારી છે.
ડેવાલ્ડ બ્રેવિસે તોડયા આ રૅકોર્ડ
દક્ષિણ આફ્રિકાનો બેટર ડેવાલ્ડ બ્રેવિસ T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટર બન્યો. તેની પહેલા ડેવિડ મિલરે 35 બોલમાં સદી ફટકારી હતી. જણાવી દઈએ કે ઑસ્ટ્રેલિયા સામે ડેવાલ્ડ બ્રેવિસ સૌથી ઝડપી T20 સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની જમીન પર સૌથી ઝડપી T20 સદી લગાવવાનો રૅકોર્ડ પણ બ્રેવિસના નામે નોંધાઈ ગયો છે. ડેવાલ્ડ બ્રેવિસે આ મેચમાં 125 રન બનાવ્યા હતા. તે T20 ઇન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચો : 50 ઓવરની મેચ પણ 5 જ બોલમાં ટાર્ગેટ પૂરો! કેપ્ટન યુવરાજે 500ના સ્ટ્રાઈક રેટથી કરી બેટિંગ
ડેવાલ્ડ બ્રેવિસની વિસ્ફોટક બેટિંગ
ડેવાલ્ડ બ્રેવિસે પાંચમા ઓવરમાં ક્રીઝ પર પગ મૂક્યો. દક્ષિણ આફ્રિકાની ટીમ રાયન રિકલ્ટન અને એડન માર્કરમની વિકેટ ગુમાવી ચૂકી હતી, ત્યાર બાદ બ્રેવિસ આવ્યો અને ખૂબ જ સારો દેખાવ કરીને ઓસ્ટ્રેલિયન બોલરોને ધૂળ ચટાડી દીધી હતી. રાઇટ હેન્ડ બેટરે 7મી ઓવરથી સિક્સ ફટકારવાની શરુઆત કરી હતી. તેણે મેક્સવેલના પહેલા બોલમાં લૉન્ગ ઓન સિક્સ ફટકારી હતી. ત્યાર બાદ જમ્પા અને શોન એબટની બોલિંગમાં પણ બ્રેવિસે સિક્સ ફટકારી હતી.
આ દરમિયાન 12મી ઓવરમાં આફ્રિકાની ટીમ માટે નાસૂર બનેલા મેક્સવેલની બોલિંગમાં પણ બ્રેવિસે 3 સિક્સ મારીને 24 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 15મી ઓવરમાં તેણે ડ્વોર્શિયસની બોલિંગમાં ફોર ફટકારી સદી પૂરી કરી. બ્રેવિસે તેની ઇનિંગમાં 8 સિક્સ અને 12 ફોર ફટકારી હતી. એટલે આ ખેલાડીએ 96 રન તો બાઉન્ડ્રી ફટકારીને જ બનાવી લીધા હતા.