Sports

લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ: ઇંગ્લૅન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના લોર્ડ્સ મેદાન પર ઇંગ્લૅન્ડને 270 રનથી હરાવી ઇતિહાસ રચ્યો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડ્સ પર ટેસ્ટ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લૅન્ડને 186 રનમાં ઓલઆઉટ કર્યું. યસ્તિકા ભાટિયાએ 113 રન અને ક્રાંતિ ગૌડે 5 વિકેટ લઈને 'ઓનર્સ બોર્ડ' પર નામ નોંધાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ: ઇંગ્લૅન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની

ENG Women vs IND Women Test Cricket Match : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લૅન્ડને 270 રનથી કારમી હાર આપીને ઇતિહાસ રચી દીધો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની ગઈ છે. ચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડની આખી ટીમને બીજી ઇનિંગમાં 186 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.

India Women Vs England Women2.jpg

ચોથા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ
મેચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમે તેના ત્રીજા દિવસના સ્કોર 130/6થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોકે, દિવસની શરૂઆતમાં જ સ્નેહ રાણાએ લાંબા સમયથી ક્રિઝ પર ટકેલી એમી જોન્સને 54 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ઇંગ્લૅન્ડને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ દીપ્તિ શર્માએ ઈસ્સી વોંગને માત્ર 1 રન પર આઉટ કરીને ઇંગ્લૅન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી. ઇંગ્લૅન્ડની આખી ટીમ બીજી ઇનિંગમાં 186 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

India Women Vs England Women5.jpg

ભારત તરફથી રનનો પહાડ અને 457 રનનો લક્ષ્યાંક
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 285 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ 83, કૅપ્ટન હરમનપ્રીત કૌરે 58 અને દીપ્તિ શર્માએ 57 રનની અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ભારતને 115 રનની મોટી લીડ મળી હતી.

India Women Vs England Women3.jpg

યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રન

બીજી ઇનિંગમાં યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રનના શતક અને સ્મૃતિ મંધાનાના 70 રન તેમજ ઋચા ઘોષની અડધી સદીના દમ પર ભારતે 7 વિકેટે 341 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને ઇંગ્લૅન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો.

India Women Vs England Women6.jpg

ઓનર્સ બોર્ડ પર ભારતની બે ખેલાડીનું નામ
આ ઐતિહાસિક મેચમાં ભારતની બે ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત 'ઓનર્સ બોર્ડ' પર પોતાનું નામ નોંધાવ્યું છે. ક્રાંતિ ગૌડે ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે યસ્તિકા ભાટિયાએ બીજી ઇનિંગમાં 113 રનની શાનદાર સદી ફટકારી હતી.

India Women Vs England Women4.jpg

ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો

આ સાથે જ તેઓ લોર્ડ્સના મેદાન પર આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈ છે. ઇંગ્લૅન્ડ તરફથી પણ સોફી એક્લેસ્ટોને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને પોતાનું નામ ઓનર્સ બોર્ડ પર નોંધાવ્યું હતું.