Asia Cup 2025: પાકિસ્તાન સામે ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડી ઈન્જર્ડ
Asia Cup 2025 Ind vs Pak Final : એશિયા કપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે શ્રીલંકા સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર એક ઓવર ફેંક્યા પછી મેદાન છોડી જતો રહ્યો હતો. આ સાથે જ સ્ટાર ઓપનર અભિષેક શર્મા પણ ઈન્જર્ડ હોય તેવું દેખાયું હતું.
શું થયું હાર્દિકને?
હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના ઓપનર કુસલ મેન્ડિસને આઉટ કરીને ભારતના 202 રનના લક્ષ્યને બચાવવા માટે જોરદાર શરૂઆત કરી હતી. જો કે પહેલી ઓવર પછી તે પગમાં સ્ટ્રેચ આવતા મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ફરી રમવા જ ન આવી શક્યો. જેના કારણે ફાઇનલ પહેલા ચિંતા વધી હતી.
આ પણ વાંચોઃ એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું
બોલિંગ કોચે આપી માહિતી
જોકે, બોલિંગ કોચ મોર્કેલે પાછળથી ખુલાસો કર્યો હતો કે દુબઈમાં ભેજવાળી પરિસ્થિતિમાં પંડ્યાને સ્ટ્રેચનો સામનો કરવો પડ્યો હતો. ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો અને પુષ્ટિ કરી હતી કે ઓલરાઉન્ડરને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો કે, ફાઇનલ માટે તેની ઉપલબ્ધતા અંગેનો નિર્ણય શનિવારે ફિટનેસ મૂલ્યાંકન પછી લેવામાં આવશે.
શ્રીલંકા સુપર ઓવરમાં હાર્યું
શુક્રવારે ભારતીય ખેલાડીઓએ મેદાન પર સખત મહેનત કરવી પડી હતી કારણ કે શ્રીલંકાએ 20 ઓવરમાં 202 રન બનાવીને મેચ ટાઇ કરી હતી. આ મેચમાં શ્રીલંકા વતી પથુમ નિશાંકાએ શાનદાર 107 રન ફટકાર્યા હતા. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં શ્રીલંકા પાંચ બોલમાં ફક્ત બે રન બનાવીને હારી ગયું હતું.
આ પણ વાંચોઃ એશિયા કપમાં 8 સિક્સર ફટકારતા જ ઐતિહાસિક રેકોર્ડ બનાવશે અભિષેક, રોહિત-યુવરાજને પછાડશે
અભિષેક શર્માને શું તકલીફ થઇ?
ટુર્નામેન્ટમાં સતત ત્રીજી અડધી સદી ફટકારનાર અભિષેક શર્માને પણ પગમાં સ્ટ્રેચનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાની ઇનિંગ દરમિયાન તેને બેન્ચ પર બેસાડી એકસ્ટ્રા ફિલ્ડરને રમાવવામાં આવ્યો હતો. મોર્કેલે કહ્યું, "બંને ખેલાડીને સ્ટ્રેચનો સામનો કરવો પડ્યો હતો. અમે આજે રાત્રે હાર્દિકનું મૂલ્યાંકન કરીશું અને સવારે નિર્ણય લઈશું. "