એશિયા કપમાં 8 સિક્સર ફટકારતા જ ઐતિહાસિક રેકોર્ડ બનાવશે અભિષેક, રોહિત-યુવરાજને પછાડશે
| |
Asia Cup: ટીમ ઈન્ડિયાનો યુવા વિસ્ફોટક બેટર અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે, અને તે બીજા એક ઐતિહાસિક રેકોર્ડથી માત્ર આઠ સિકસ ફટકારવાથી દૂર છે. તેની પાસે T20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બનવાની તક છે. અભિષેક શર્મા પાસે હવે માત્ર પોતાને એક પ્રચંડ પાવર-હિટર તરીકે સ્થાપિત કરવાની જ નહીં, પણ એક એવો રેકોર્ડ બનાવવાની પણ તક છે જે તોડી ન શકાય. આવનારી મેચોમાં બધાની નજર તેની બેટિંગ પર જ રહેશે.
એશિયા કપમાં 17 સિક્સ ફટકાર્યા
અત્યાર સુધીમાં, અભિષેકે 2025ના એશિયા કપમાં 17 સિક્સ ફટકાર્યા છે, જે T20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા સૌથી વધુ છે. આ પહેલાં આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેણે 2024ના T20 વર્લ્ડ કપમાં 15 સિક્સ ફટકાર્યા હતા. તેમજ અભિષેકના ગુરુ યુવરાજ સિંહે પણ 2007ના T20 વર્લ્ડ કપમાં 12 સિક્સ ફટકાર્યા હતા.
ઇતિહાસ રચવા જઇ રહ્યો છે અભિષેક
અભિષેકનો લક્ષ્ય સિકંદર રઝાનો રેકોર્ડને તોડવાનો છે. જણાવી દઈએ કે, સિકંદર રઝાએ T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023-24 ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે માટે રમતી વખતે 24 સિક્સ ફટકારી હતી. આનો અર્થ એ થયો કે અભિષેકને 2025 એશિયા કપ ટુર્નામેન્ટમાં ફક્ત આઠ સિક્સ ફટકારવાની જરૂર છે જેથી તે ICCના 12 પૂર્ણ સભ્ય દેશોમાંથી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની શકે.
બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિકસ
• સિકંદર રઝા - 24 સિક્સ (T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023/24)
• એરોન ફિન્ચ - 19 સિક્સ (T20 ટ્રાઇ-સિરીઝ - ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, 2018)
• સિકંદર રઝા - 18 સિક્સ (T20 વર્લ્ડ કપ સબ-રિજનલ આફ્રિકા ક્વોલિફાયર, 2024/25)
• માર્ટિન ગુપ્ટિલ - 17 સિક્સ (T20 વર્લ્ડ કપ - ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ - 2017/18)
• નિકોલસ પૂરણ - 17 સિક્સ (T20 વર્લ્ડ કપ 2024)
• અભિષેક શર્મા - 17 સિક્સ (એશિયા કપ 2025)
ટીમ ઈન્ડિયા માટે આશાનું કિરણ
અભિષેક શર્માનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાને ટ્રોફીની નજીક તો લાવ્યું જ છે, પણ એ પણ સંકેત આપે છે કે ભારતને એક નવો 'પાવર-હિટર' મળ્યો છે, જે દબાણમાં પણ મોટા શોટ ફટકારવામાં માહિર છે. જો તે આ ગતિએ રમવાનું ચાલુ રાખે છે, તો શ્રીલંકા સામેની આગામી મેચ ઇતિહાસમાં તેનું સ્થાન મજબૂત કરી શકે છે.