T20 World Cup 2026 : ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026નો પ્રારંભ થવાનો છે. જોકે તે પહેલા પાકિસ્તાનો નાટકો શરૂ કરીને ભારત સામેની મેચો રમવાનો ઈન્કાર કરી દીધી છો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની સલમાન અલી આગાએ ભારત સામે રમવા બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે, જો સેમીફાઈનલ કે ફાઈનલમાં ભારત સામે મુકાબલો થશે, તો ટીમ પાકિસ્તાન સરકારની સલાહ મુજબ જ આગળ વધશે.
સરકારના નિર્ણય પર નિર્ભર પાકિસ્તાની ટીમ
ગુરુવારે યોજાયેલી કપ્તાનોની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન અલી આગાએ કહ્યું કે, ‘ભારત સામે રમવું એ ખેલાડીઓના હાથમાં નથી. પાકિસ્તાન સરકારે અગાઉ ભારત સામેની મેચોના બહિષ્કારનો નિર્ણય લીધો હતો, તેથી જો ટુર્નામેન્ટના આગળના તબક્કામાં આવી સ્થિતિ સર્જાશે તો ફરીથી સરકારની સલાહ લેવામાં આવશે.’
બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર
પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં લીધો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ભારત બહાર મેચ રમાડવાની માંગણી કરી હતી, જેનો ઈન્કાર કરતા ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. આગાએ બાંગ્લાદેશની ગેરહાજરી પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘બાંગ્લાદેશ એક મજબૂત ટીમ હતી અને આશા છે કે તેઓ પાકિસ્તાનને સપોર્ટ કરશે.’
સાતમી ફેબ્રુઆરીએ પાકિસ્તાન-નેધરલેન્ડ વચ્ચે મેચ
પાકિસ્તાન તેની વર્લ્ડ કપની સફરની શરૂઆત 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે કરશે. ત્યારબાદ ટીમ 10 ફેબ્રુઆરીએ અમેરિકા અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે. સલમાન અલી આગાએ ટીમમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, એશિયા કપ પછી પાકિસ્તાની ટીમે એક પણ સીરીઝ ગુમાવી નથી અને હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર છે.


