T20 World Cup 2026, IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સુપરહિટ મેચ પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. T20 વર્લ્ડ કપમાં આ બંને કટ્ટર હરીફો નવમી વખત સામસામે ટકરાશે. ભારતીય ટીમ હંમેશા પાકિસ્તાન પર હાવી રહી છે, પરંતુ આ વખતે ભારતીય ટીમના ભાથામાં 'ગૌતમ ગંભીર' નામનું બ્રહ્માસ્ત્ર છે. પોતાની આક્રમક વ્યૂહનીતિ માટે જાણીતા કોચ ગૌતમ ગંભીરે પાકિસ્તાનની ટીમને હરાવવા માટે ખાસ વ્યૂહનીતિ તૈયાર કરી છે.
બાબર આઝમની ધીમી બેટિંગ
બાબર આઝમ હાલમાં T20 ફોર્મેટમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેનો 130નો સ્ટ્રાઈક રેટ પાકિસ્તાન માટે માથાનો દુ:ખાવો બન્યો છે. ગંભીરની વ્યૂહનીતિ મુજબ, ભારતીય બોલરો બાબરને આઉટ કરવાને બદલે તેને લાંબો સમય ક્રીઝ પર રાખવાનો પ્રયાસ કરી શકે છે. બાબર જેટલી વધુ ઓવર રમશે, પાકિસ્તાનનો રન રેટ એટલો જ ઓછો રહેશે, જે અંતે ભારતને ફાયદો કરાવશે.
આ પણ વાંચો: 'અલ્લાહ કરે કાલે વરસાદ પડે...!' પૂર્વ પાક. ક્રિકેટરે ભારત-પાકિસ્તાન મેચ પહેલા માંગી દુઆ
શાહીન આફ્રિદીનું ફોર્મ
એક સમયે ખતરનાક બોલર ગણાતો શાહીન આફ્રિદી અત્યારે ફોર્મમાં નથી. ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યાએ પ્લાન બનાવ્યો છે કે શાહીન લય પકડે તે પહેલા જ તેના પર આક્રમણ કરવું. યુએસએ સામેના 10.20ના ઇકોનોમી રેટને જોતા ભારતીય બેટર્સ તેને ટાર્ગેટ કરી પાકિસ્તાનના બોલિંગ એટેકને વેરવિખેર કરી દેશે.
ઉસ્માન તારિકનો 'તોડ'
ગંભીર હંમેશા વિરોધી ટીમથી એક ડગલું આગળ રહ્યો છે. હવે જ્યારે પાકિસ્તાન ઉસ્માન તારિક વિશે બડાઈ કરી રહ્યું છે, ત્યારે ગંભીરે એક માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન આ સ્પષ્ટ થયું, જ્યારે કેપ્ટન સૂર્યા ઉસ્માન તારિકની એક્શન સાથે બોલિંગ કરતો જોવા મળ્યો, અને ભારતીય બેટરને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા.
ભારતીય સ્પિનરોનો એટેક
કોલંબોની પિચ સ્પિનરોને મદદરૂપ છે. ગંભીર આ મેચમાં વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ એમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પાકિસ્તાનનું મધ્યમ ક્રમ સ્પિન સામે નબળું હોવાથી આ જોડી પાકિસ્તાની બેટરને મધ્ય ઓવરોમાં જ પછાડી શકે છે.
માનસિક દબાણની વ્યૂહનીતિ
પાકિસ્તાની ટીમ એક એવી ટીમ છે જે દબાણ હેઠળ સંપૂર્ણપણે ભાંગી પડે છે. તેથી, આજની મેચમાં, ભારતીય ટીમ પાકિસ્તાની ટીમ પર દબાણ લાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અજમાવી શકે છે. આની શરૂઆત હાથ ન મિલાવવાની નીતિથી થઈ શકે છે. સૂર્યા ટોસ સમયે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવશે કે નહીં તે પણ ગંભીરની ખાસ વ્યૂહનીતિનો ભાગ હોઈ શકે છે. એકંદરે, ગંભીરે પાકિસ્તાનની ટીમને હરાવવા માટે એક માસ્ટર પ્લાન વિકસાવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગંભીરની વ્યૂહનીતિ આજે ફરી એકવાર પાકિસ્તાની ટીમને ચકનાચૂર કરશે.


