'બુમરાહે એક પણ ટેસ્ટ ન જીતાડી પણ સિરાજે....' ઇંગ્લૅન્ડ સીરિઝ અંગે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો રિવ્યુ
India vs England 2025: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હેડિને મોહમ્મદ સિરાજની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, 'ભારતની વર્તમાન ટીમે સાબિત કરી દીધું છે કે, તે જસપ્રીત બુમરાહ વિના પણ રમી શકે છે અને જીતી શકે છે.' તેમણે એમ પણ કહ્યું કે, 'બુમરાહ એક પણ ટેસ્ટ જીતી શકતો નથી. તેમજ સિરાજે પોતાને ભારતીય બોલિંગ આક્રમણનો લીડર સાબિત કર્યો છે.'
'ભારતીય ટીમે સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ બુમરાહ વિના...'
ઓસ્ટ્રેલિયન પૂર્વ વિકેટકીપર- બેટરે યુટ્યુબ ચેનલ LiSTNR સ્પોર્ટ પર કહ્યું, 'ભારતીય ટીમે સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ બુમરાહ વિના પણ રમી શકે છે. ભારત પાસે ઘણા ટેલેન્ટ છે. પરંતુ બુમરાહ એક પણ ટેસ્ટ જીતી શક્યો નથી.'
મને લાગે છે કે સિરાજ આક્રમક લીડર છે: બ્રેડ હેડિન
મોહમ્મદ સિરાજની પ્રશંસા કરતાં હેડિને કહ્યું, 'મને લાગે છે કે સિરાજ આક્રમક લીડર છે. તે એવા ખેલાડીઓમાંનો એક છે જે મોટી મેચોમાં બોલિંગ કરવાનું પસંદ કરે છે. હા, તેણે ભૂલો કરી પણ તે તકોનો લાભ લેવાનું ચૂકતો નથી. જો તમારી પાસે એવા ખેલાડીઓ છે, જે ભૂલો કરવાથી ડરતા નથી, જે રમતમાં રહેવા માટે વિરોધી ટીમ પર દબાણ લાવી શકે છે, તો તમે આવા ખેલાડીઓને ચોક્કસપણે પસંદ કરશો.
'તે દરેક ઓવર મેચ જીતવા માટે બોલિંગ કરી રહ્યો હતો'
સિરાજની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે, 'તે રમતના છેલ્લા કલાકમાં બોલ તેના હાથમાં રાખવા માંગતો હતો. તે દરેક ઓવર મેચ જીતવા માટે બોલિંગ કરી રહ્યો હતો. તેણે એક કેચ છોડ્યો, તે ખરાબ કહેવાય. જો તમે તે કેચ પકડી લેતાં તો એ વધુ સારું થાત.'
આ પણ વાંચો: IPLમાં 12 કરોડમાં વેચાયેલા ખેલાડીએ અશ્લીલ સાઈટ પર એકાઉન્ટ શરુ કર્યું, ફેન્સ ચોંક્યા
સિરાજે સ્ટાર ઝડપી બોલરની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કર્યું
જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે 5 ટેસ્ટમાંથી ફક્ત 3 મેચ જ રમી શક્યો. તેમાં, તેણે બે વાર 5 વિકેટ લીધી અને કુલ 14 વિકેટ લીધી. તો આ બાજુ, મોહમ્મદ સિરાજે બધી 5 મેચ રમી. તેણે આ સીરિઝમાં કુલ 23 વિકેટ લીધી, જે બંને ટીમના બોલરોમાં સૌથી વધુ છે. જસપ્રીત બુમરાહ બીજી અને છેલ્લી ટેસ્ટ ન રમ્યો. આકસ્મિક રીતે બંને મેચોમાં ભારતની જીત થઈ અને મોહમ્મદ સિરાજે સ્ટાર ઝડપી બોલરની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કર્યું.