ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓ વધી, જયપુર રેપ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યો
Cricketer Yash Dayal News: IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બોલર યશ દયાલ પર ચાલી રહેલા દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે લગાવવાનો ઈનકાર કરી દીધો છે. જયપુરની એક યુવતીએ સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ FIR દાખલ કરી છે, જેમાં આરોપ છે કે યશે ક્રિકેટ કારકિર્દીમાં મદદ કરવાનું બહાનું આપીને બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું. તે સમયે યુવતીની ઉંમર 17 વર્ષ હતી, તેથી આ મામલો POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IPLમાં 12 કરોડમાં વેચાયેલા ખેલાડીએ અશ્લીલ સાઈટ પર એકાઉન્ટ શરૂ કર્યું, ફેન્સ ચોંક્યા
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન યશ દયાલના વકીલે ગાઝિયાબાદમાં નોંધાયેલા આવા જ એક કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે લગાવી હતી. જોકે કોર્ટે આ મામલો સગીરા સાથે સંબંધિત હોવાનું કહીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે અને ત્યાં સુધી કેસ ડાયરી કોર્ટમાં રજૂ કરવી પડશે.
ગાઝિયાબાદની મહિલાના કેસમાં સ્ટાર ક્રિકેટર યશ દયાલને મોટી રાહત મળી હતી
આ અગાઉ છઠ્ઠી જુલાઈના રોજ એક મહિલાએ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં યશ દયાલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યશ દયાલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે યશ દયાલને અલ્હાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગાઝિયાબાદની એક મહિલાએ ફાસ્ટ બોલર યશ દયાલ પર લગ્નના બહાને શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી. આ દરમિયાન તેનું ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.
કોણ છે ક્રિકેટર યશ દયાલ?
યશ દયાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની IPL 2025 ની સિઝનમાં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી. તે 2022 માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાનો સભ્ય પણ રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશ ટીમ માટે રમે છે. બાંગ્લાદેશ સિરીઝ અને બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડમાં દમદાર પરફોર્મન્સ કરનાર ટીમ ઈન્ડિયાનો ચાલુ વર્ષે વ્યસ્ત શેડ્યૂલ, આ રહી યાદી
27 વર્ષીય યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 27 મેચમાં 84 વિકેટ લીધી છે, જેમાં તેની બેસ્ટ બોલિંગ 5/48 છે. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 23 મેચમાં 36 વિકેટ લીધી છે. તેમજ તેણે 71 T20 ક્રિકેટ મેચમાં 66 વિકેટ લીધી છે અને તેનું બેસ્ટ પરફોર્મન્સ 3/20 રહ્યું છે. IPL ની વાત કરીએ તો, તેણે 2 ટીમ માટે 43 મેચ રમીને 41 વિકેટ લીધી છે. તે IPL ની 2022 અને 2023 સીઝનમાં ગુજરાત માટે રમ્યો હતો, જ્યારે તે 2024 અને 2025 IPL સીઝનમાં RCB નો ભાગ હતો.
જાણો શું છે આખો મામલો
યશ દયાલના પર ગાઝિયાબાદમાં પણ આવો જ કેસ દાખલ કરવામાં થયો હતો, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ધરપકડ પર સ્ટે લગાવ્યો હતો. પરંતુ કોર્ટે જયપુર કેસ અંગે કડકતા દાખવી અને કેસ ડાયરી મંગાવી અને આગામી સુનાવણી 22 ઓગસ્ટના રોજ નક્કી કરી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, જો યશ દયાલને ટૂંક સમયમાં કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો તે ફરાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સક્રિય કરવામાં આવી છે.