શુભમન ગિલની ખુશીનું ઠેકાણું ન રહ્યું, મેચ વચ્ચે જ અચાનક મેદાનમાં કેમ નાચવા લાગ્યો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs NZ Test : વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારતીય ટીમ જીતની ઉંબરે ઊભી છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ બ્લંડેલ સામે ભારતનો DRS નિર્ણય સફળ રહ્યો અને વિકેટ મળતા જ કેપ્ટન શુભમન ગિલ મેદાન પર જ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને નાચવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
શુભમન ગિલ કેમ નાચવા લાગ્યા?
77મી ઓવરના અંતિમ બોલ પર અંશુલ કંબોજે ટોમ બ્લંડેલને ફસાવ્યો હતો. બોલ બેટની ઝીણી કિનારી લઈને વિકેટકીપર ઋષભ પંતના ગ્લોવ્ઝમાં ગયો હતો, જેનો પંતને પણ અંદાજ આવ્યો ન હતો. ઓન-ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યા બાદ કેપ્ટન શુભમન ગિલે "કુછ તો આવાઝ આઈ હૈ" કહીને તરત DRS લીધો હતો.
રિવ્યૂમાં સ્નિકોમીટર પર ઝીણી હલચલ દેખાઈ અને થર્ડ અમ્પાયરે નિર્ણય પલટીને બ્લંડેલને આઉટ જાહેર કર્યો. મેચના નિર્ણાયક તબક્કે મળેલી આ મહત્ત્વની સફળતાથી ગિલ ઉત્સાહમાં આવી ગયા અને મેદાન પર જ ડાન્સ કરવા લાગ્યા હતા.
વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતનો સંપૂર્ણ દબદબો
પાંચમા દિવસના પ્રથમ સેશનમાં ભારતે ડેવોન કોનવે (વોશિંગ્ટન સુંદર દ્વારા) અને રચિન રવીન્દ્ર (પ્રસિદ્ધ કૃષ્ણા દ્વારા) ની વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યૂઝીલેન્ડ બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ ગુમાવીને 202 રન પર રમી રહ્યું છે અને હજુ 150 રન પાછળ છે, જેના કારણે તેના પર ઈનિંગ્સથી હારનો ખતરો તોળાઈ રહ્યો છે.
720 રનનો વિશાળ સ્કોર અને લીડ
અગાઉ ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે કેએલ રાહુલ અને ઋષભ પંતના શતક તેમજ અન્ય 4 બેટ્સમેનોની અડધી સદીની મદદથી 720/9d નો વિશાળ સ્કોર ખડો કરી 352 રનની જંગી લીડ મેળવી હતી. ભારત હવે આ મેચ ઈનિંગ્સના અંતરથી જીતવા તરફ મક્કમ આગળ વધી રહ્યું છે.




