કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં ICUમાં દાખલ, ત્રણ બોલ રમ્યા બાદ થયો હતો રિટાયર્ડ હર્ડ

શુભમન ગિલને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગિલને ગરદનમાં ખૂબ દુઃખાવો છે જેના કારણે તેને હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરાયો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં આગળ રમી શકવું હાલ અનિશ્ચિત દેખાઈ રહ્યું છે, કારણ કે બીજા દિવસે શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાઇમન હાર્મરના બોલ પર સ્લોગ સ્વીપ કરવાના પ્રયાસમાં ગરદનમાં ખેંચાણ થયા બાદ રિટાયર્ડ હર્ટ થઈ ગયો.
શુભમન ગિલ માત્ર ત્રણ બોલ રમ્યો, જ્યારબાદ તેને ઈજાને કારણે મેદાનની બહાર જવું પડ્યું. તેણે ચાર રન બનાવ્યા. તેણે હાર્મરને બેકવર્ડ સ્ક્વાયર લેગ પર બાઉન્ડ્રી ફટકારી, પરંતુ તેને ગરદનમાં ખેંચાણ થયું. ફિઝિયો તરત જ મેદાન પર આવ્યા, પરંતુ સ્ટાર બેટર રિટાયર્ડ હર્ટ થયો અને પેવેલિયન પરત ફરવું પડ્યું. ડ્રિંક્સ બ્રેક પછી 35મી ઓવરમાં આ ઘટના બની. જોકે, જ્યારે તેને ગળામાં કોલર બાંધીને લઈ જવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની, જેનાથી ઈજાની ગંભીરતા અંગે વધુ ચિંતાઓ ઉભી થઈ.
આ પણ વાંચો: રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી
![]() |
"તેનો વર્કલોડ સાથે કોઈ સંબંધ નથી"
ભારતીય ટીમના સહાયક કોચ મોર્ને મોર્કેલે કહ્યું, "આપણે એ જાણવાની જરૂર છે કે તેને ગરદનમાં ખેંચાણ કેવી રીતે થયું. કદાચ તે ગઈકાલે રાત્રે સારી ઊંઘ ન લઈ શક્યો હોય. તેનો વર્કલોડ સાથે કોઈ સંબંધ નથી." ગિલ આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝની કેપ્ટનશીપ કર્યા પછીથી તમામ ફોર્મેટમાં સતત રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં શનિવારે વ્હાઈટ બોલ સીરિઝ સમાપ્ત થતાં જ તે અહીં ટીમમાં જોડાયો અને મંગળવારે પ્રથમ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો.
મોર્કેલે આ સમયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું, "ગિલ ખૂબ જ ફિટ છે અને પોતાનું ખૂબ ધ્યાન રાખે છે. આજે સવારે તેને ગરદનમાં ખેંચાણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તે સમયે અમને તેની પાસેથી સારી ભાગીદારીની જરૂર હતી. સમય ખરાબ હતો."
અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં કહ્યું હતું કે, "શુભમન ગિલને ગરદનમાં ખેંચાણ છે અને BCCI મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે. આજે તેની પ્રગતિના આધારે તેના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે."
કોલકાતા ટેસ્ટ: રવીન્દ્ર જાડેજા સામે આફ્રિકન બેટર્સ ઘૂંટણીયે, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનું કમબેક


