કોલકાતા ટેસ્ટ: રવીન્દ્ર જાડેજા સામે આફ્રિકન બેટર્સ ઘૂંટણીયે, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનું કમબેક

Ravindra Jadeja 4 wickets : ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા આજે આખો દિવસ ચર્ચામાં રહ્યો. એક તરફ જ્યાં IPL 2026 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે જાડેજાને ટ્રેડ કર્યો છે, જે બાદ હવે જાડેજા રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. સાથે સાથે જાડેજાએ કોલકાતા ટેસ્ટમાં બોલિંગથી તરખાટ મચાવતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પવેલિયનભેગા થયા હતા. સાઉથ આફ્રિકાની ટીમના ટોપ 5માંથી ચાર બેટર્સને જાડેજાએ આઉટ કર્યા. જે બાદ ભારતીય ટીમ ખૂબ સારી સ્થિતિમાં પહોંચી ગઈ છે.
જાડેજાએ સાઉથ આફ્રિકાનું ટોપ ઓર્ડર ધ્વસ્ત કર્યું
કોલાકાતા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 189 રન ફટકાર્યા. ટીમ ઈન્ડિયાને માત્ર 30 રનની જ લીડ મળી હતી. જોકે જાડેજાના કારણે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે સારું કમબેક કર્યું. જાડેજાએ સાઉથ આફ્રિકાનું ટોપ ઓર્ડર ધ્વસ્ત કરી નાંખ્યું. રવીન્દ્ર જાડેજાએ સૌથી પહેલા એડેન માર્કરમનો શિકાર કર્યો, માર્કરમ ચાર રન બનાવીને આઉટ થયો. તે બાદ એક જ ઓવરમાં જાડેજાએ વિયાન મુલ્ડર અને ટોની ડી જોર્જીને આઉટ કર્યા. જે બાદ જાડેજાએ ટ્રિસ્ટન સ્ટબ્સને બોલ્ડ કરી સફળતા હાંસલ કરી.

આટલું જ નહીં રવીન્દ્ર જાડેજાએ આજે બેટિંગમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો. કોલકાતા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જ જાડેજાએ 10 રન ફટકારતાં તે દુનિયાનો ચોથો એવો ઓલરાઉન્ડર બન્યો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 4 હજાર રન અને 300થી વધુ વિકેટ ઝડપી હોય. આ રેકોર્ડની લિસ્ટમાં કપિલદેવ, ઈયાન બોથમ અને ડેનિયલ વિટોરીનું પણ નામ સામેલ છે.

