Suryakumar Yadav : ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ જણાય છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ સૂર્યાના બદલે શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
T20 ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારી
BCCIના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ટી20 ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે અને સૂર્યકુમારના સ્થાને શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ શ્રેયસ અય્યરનું IPL 2026માં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન અને શાનદાર નેતૃત્વ હોવાનું મનાય છે, જ્યાં તેણે ટીમને શરૂઆતની સાત મેચોમાંથી છમાં જીત અપાવી છે અને બેટિંગમાં પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી સાથે ગજબની ઘટના બની
સૂર્યાનું ખરાબ ફોર્મથી પસંદગી સમિતિ નારાજ
બીજી તરફ, પસંદગી સમિતિ સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને કારણે નારાજ હોવાનું જણાય છે. ભલે સૂર્યાના નેતૃત્વમાં ભારતે હજુ સુધી એકપણ ટી20 શ્રેણી ગુમાવી નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના બેટથી રન નીકળી રહ્યા નથી. IPL 2026માં પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા તેણે 10 મેચોમાં માત્ર 195 રન બનાવ્યા છે, જે ખૂબ જ ઓછા છે. અહેવાલો એમ પણ સૂચવે છે કે સૂર્યકુમાર યાદવ હાલમાં કાંડાની ગંભીર ઈજા અને પીડા સાથે રમી રહ્યો છે, જેના કારણે તેની ફોર્મ પર અસર પડી છે. આ સંજોગોમાં તે માત્ર કેપ્ટન તરીકે જ નહીં પરંતુ એક બેટર તરીકે પણ ટીમમાં સ્થાન જાળવી શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.
યુવા ખેલાડીઓને વધુ તક આપવાની તૈયારી
આગામી સમયમાં ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં BCCI યુવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે. શ્રેયસ અય્યર આ રેસમાં સૌથી આગળ હોવા છતાં એક પાસું એ પણ છે કે તેણે ડિસેમ્બર 2023 પછી કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી. હવે જોવાનું એ રહેશે કે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ભરોસો યથાવત રાખવામાં આવે છે કે પછી આયર્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટી20 ટીમની કમાન સત્તાવાર રીતે શ્રેયસ અય્યરને સોંપવામાં આવે છે.
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ મોટો વિવાદ ઉભો કર્યો, અનેકના જીવ જોખમમાં નાખ્યા


