IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવાર, 11 જાન્યુઆરીથી વનડે સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, પ્રથમ મેચ પૂર્વે જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંત પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થતા આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ મેડિકલ ટીમે પુષ્ટી કરી કે, પંતને ડાબા અને પેટમાં ઈજા થઈ છે, જેને લઈને તેને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ આગામી વનડે મુકાબલામાંથી બહાર કરી દેવાયો છે. જણાવી દઈએ કે, પંત મંગળવારે જ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દિલ્હી તરફથી વિજય હઝારે ટ્રોફીની અંતિમ ગ્રુપ મેચ રમી હતી.
પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ ઈજા
મેચ પહેલા ખુદને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે પંતે આરામ કરવાના બદલે પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો હતો. તે આખી ટીમની સાથે બીસીએ સ્ટેડિયમના ગ્રાઉન્ડ-બી પર નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પરંતુ રિપોર્ટના અનુસાર, બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થ્રોડાઉન દરમિયાન પંતને કમરના ભાગે બોલ વાગ્યો હતો. શરૂઆતમાં મામલો સામાન્ય લાગ્યો, પરંતુ જ્યારે તેમની તપાસ કર્યા બાદ મેડિકલ ટીમે તાત્કાલિક MRI સ્કેન કરવાનો નિર્ણય લીધો.
MRI રિપોર્ટ અને વરિષ્ઠ ઓર્થોપેડિક વિશેષજ્ઞ ડૉ. દિનશૉ પરડીવાલા સાથે ઓનલાઈન વાતચીત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પંતને ખુબ તકલીફ છે. ત્યારબાદ મેડિકલ પેને તેમને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ આખી વનડે સીરિઝથી બહાર રાખવાનો નિર્ણય લીધો. BCCI તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, થોડા દિવસોના આરામ બાદ પંત સેન્ટર ઓફ એક્સીલેન્સમાં આગળના આકલન અને રિહેબિલિટેશન માટે રિપોર્ટ કરશે.
ઇજા થતાં જ મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર પહોંચી પંતની તપાસ અને સારવાર શરૂ કરી હતી. સપોર્ટ સ્ટાફ અને બાકી ખેલાડી ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ પંત પ્રેક્ટિસ કરવાની સ્થિતિમાં ન હતો. તે મેડિકલ ટીમના બે સભ્યોની સાથે પ્રેક્ટિસ સેશન વચ્ચે જ છોડીને બહાર ચાલ્યો ગયો.
કેપ્ટનની સાથે અગરકરની લાંબી વાતચીત
તેના થોડા સમય બાદ ભારતના વનડે કેપ્ટન શુભમન ગિલ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર સાથે લાંબી વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ વાતચીતનો વિષય શું હતો તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમાં રિષભ પંતની ફિટનેસ પર ચર્ચા થઈ શકે છે.
પંત અને ગિલ સિવાય શ્રેયસ અય્યર, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા પણ આ ઓપ્શનલ પ્રેક્ટિસ સેશનમાં હાજર હતા. આ દરમિયાન રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બેટિંગ ટિપ્સ પણ આપી અને નેટ્સની બહાર ઉભા રહીને તેની મદદ કરી.
ન્યુઝીલેન્ડ માટે ભારતની વનડે ટીમ
શુભમન ગિલ(કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર(વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત(વિકેટકીપર), નિતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ ઉડાવી અર્શદીપ સિંહની મજાક, રોહિત શર્મા હસી-હસીને લોટપોટ; VIDEO વાયરલ
ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝનું શેડ્યૂલ
• 11 જાન્યુઆરી(રવિવાર) - પહેલી વનડે - વડોદરા
• 14 જાન્યુઆરી(બુધવાર) - બીજી વનડે - રાજકોટ
• 18 જાન્યુઆરી(રવિવાર) - ત્રીજી વનડે - ઇન્દૌર


