Shubman Gill : ભારતીય ટેસ્ટ તથા વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમમાં પસંદગી થઈ નથી. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં નિરાશાજનક દેખાવ બાદ ગિલને સ્કવોડમાંથી રવાના કરવામાં આવ્યો. એવામાં ગિલના ઘણા ફેન્સ નારાજ થયા હતા. સમગ્ર મામલે ગિલે પહેલીવાર મૌન તોડ્યું છે.
શુભમન ગિલે મૌન તોડ્યું
ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચ પહેલા શુભમન ગિલે કહ્યું છે, કે હું સિલેક્ટર્સના નિર્ણયનું સન્માન કરું છું અને ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવું છું. જે મારા નસીબમાં લખ્યું હશે તે કોઈ છીનવી નહીં શકે. કોઈ પણ ખેલાડીનો ધ્યેય હંમેશા એ જ હોય છે કે તે દેશનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બને. હું સિલેક્ટર્સના નિર્ણયનો સ્વીકાર કરું છું.
નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારતીય ટી20 ટીમમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે અને અક્ષર પટેલ વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે.

આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડની વનડે સીરિઝ
બીજી તરફ આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે. આ સીરિઝમાં સૌ કોઈની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. હાલમાં જ આ બંને ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફીમાં પણ રમતા જોવા મળ્યા હતા. રોહિત અને વિરાટ બંનેએ ધુંઆધાર બેટિંગ કરી મોટો સ્કોર બનાવ્યો હતો. હવે જોવાનું રહેશે કે વનડે સીરિઝમાં બંને ખેલાડીઓ ફૉર્મ જાળવી રાખે છે કે નહીં.

આ સિવાય શુભમન ગિલની એન્ટ્રીના કારણે યશસ્વી જયસ્વાલનો ક્રમ બદલાઈ શકે છે. શ્રેયસ અય્યર પણ હવે ચોથા ક્રમ પર બેટિંગ માટે તૈયાર છે. કે એલ રાહુલ વિકેટકિપિંગ કરવા ઉતરે તો રિષભ પંતની પ્લેઈંગ-11માં એન્ટ્રી મુશ્કેલ થઈ શકે છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ વનડે સીરિઝમાં નહીં રમે. એવામાં મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિધ કૃષ્ણા જવાબદારી સંભાળશે. કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ પણ સાથ આપશે.


