વિરાટ કોહલીએ IPL 2025માં કરી ધરખમ કમાણી, એક મેચની આવકના આંકડા જાણી ચોંકી જશો
Virat Kohli Earnings IPL 2025 : દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આઈપીએલમાં 17 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહ્યો હતો, જોકે હવે IPL-2025માં તેનું સપનું પુરુ થયું છે. આઈપીએલની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટ્રોફી જીતી લીધી છે. RCBના સુકાની રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ કોહલી અને આરસીબી બંનેનું સપનું પુરુ થયું છે. કોહલીએ આ સિઝનમાં સપનું પુરુ કરવાની સાથે ધરખમ કમાણી પણ કરી છે. તેણે આ સિઝનમાં કુલ 27 કરોડ, 40 લાખ રૂપિયાની આવક મેળવી છે. કોહલીએ રિટેન, મેચ ફી, ઈન્ડોર્સમેન્ટ અને આઈપીએલ ઈનામી રકમથી આ આવક મેળવી છે.
આ સિઝનમાં કોહલીએ 27.40 કરોડની કમાણી કરી
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફ્રેન્ચાઈઝીઓએ IPL-2025ની 18મી સિઝન માટે વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ સાથે કોહલીએ મેચ ફીથી પણ આવક મેળવી છે. આ સિઝનમાં એક મેચ રમવાના ખેલાડીઓને 7.50 લાખ રૂપિયા મળતા હતા, ત્યારે કોહલીએ સિઝનના ગ્રૂપ સ્ટેજમાં 13 મેચ, ક્વોલિફાયર-1 અને ફાઈનલ મેચ રમી હતી. આમ કોહલીએ આ સિઝનમાં કુલ 15 મેચો રમવા બદલ 1,12,50,000 (એક કરોડ, 12 લાખ, 50 હજાર) રૂપિયા મળ્યા છે. રિપોર્ટ મુજબ IPL ઈનામી રકમનો 30 ટકા હિસ્સો ખેલાડીઓમાં વહેંચવામાં આવશે. આમ ટીમમાં કુલ 22 ખેલાડીઓ હોવાથી કોહલીના ભાગમાં લગભગ 27 લાખ રૂપિયા આવશે. કોહલીએ આ વખતે ઈન્ડોર્સમેન્ટથી લગભગ પાંચ કરોડ રૂપિયા મેળવ્યા છે. આમ કોહલીએ આઈપીએલ-2025માં લગભગ 27.40 લાખ રૂપિયાની કમાણી કરી છે.
કોહલીએ આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી
આરસીબીએ 17 વર્ષ બાદ પહેલી ટ્રોફી જીતી છે, જેમાં કોહલીનો સૌથી મોટો હાથ હતો. કોહલીએ આખી સિઝન દરમિયાન ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમ માટે ઘણી મોટી ઈનિંગ્સ રમી હતી. આ સિઝનમાં કોહલીએ 15 મેચમાં 54.75 ની સરેરાશથી 657 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ લગભગ 147 હતો. આ વર્ષે કોહલીએ 8 અડધી સદી નોંધાવી છે. કોહલીએ ફાઈનલ મેચમાં પણ મહત્વપૂર્ણ ઈંનિંગ્સ રમી સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.