IPL-2025ના ચાહકો માટે ખુશખબરી, આ મેચનું સ્થળ બદલાતા ટિકિટનું રિફંડ આપવાની કરાઈ જાહેરાત
IPL-2025 Ticket Refund : ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ થયા બાદ બંધ IPL-2025ની મેચો તાત્કાલીક અસરથી બંધ કરાઈ હતી. સ્થિતિ થાળે પડયા બાદ BCCIએ 17 મેથી ફરી આઈપીએલ શરૂ કરી દીધી છે અને કેટલીક મેચોના સ્થળ પણ બદલ્યા છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારી મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. અનેક ચાહકોએ આ મેચ જોવા માટે ટિકિટ બુક કરાવી હતી, જોકે સ્થળ બદલાતા ટિકિટના રિફન્ડને લઈ ચાહકો ચિંતિત થઈ ગયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે.
આ પણ વાંચો : વરસાદે IPL-2025ની અનેક મેચ ધોઈ નાખ્યા બાદ BCCIનો મોટો નિર્ણય, જાહેર કર્યો નવો નિયમ
સતત વરસાદને કારણે BCCIએ મેચનું સ્થળ બદલવું પડ્યું
વાસ્તવમાં બેંગલુરુ સ્થિત એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાવાની હતી, જોકે અહીં સતત વરસાદ પડી રહ્યો હોવાથી BCCIએ ખરાબ હવામાનને ધ્યાને રાખી મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેતા અનેક ચાહકો નિરાશ થયા છે. આ ચાહકોએ બેંગલુરુના સ્ટેડિયમમાં મેચ જોવા માટે ટિકિટ બુક કરાવી હતી, અનેક લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન નાણાં ભરીને ટિકિટ ખરીદી હતી, જોકે હવે તેઓ ટિકિટ રિફંડને લઈ ચિંતામાં મુકાઈ ગયા છે. આ દરમિયાન સનરાઈઝર હૈદરાબાદે રિફંડ આપવાની જાહેરાત કરી છે.
RCBએ રિફંડ પરત આપવાની કરી જાહેરાત
બંને ટીમો વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરાયો નથી, પરંતુ મેચનું સ્થળ બદલીને લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. આ મેચ 23 મેએ રમાશે. અનેક ચાહકોએ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની ટિકિટ ખરીદી લીધી છે, જોકે RCBએ રિફંડ પરત કરવાની જાહેરાત કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ખરાબ હવામાનને કારણે RCB અને SRH વચ્ચેની મેચ બેંગલુરુની બહાર ખસેડવામાં આવી છે, તમામ ટિકિટ ધારકો સંપૂર્ણ રિફંડ મેળવવા માટે પાત્ર છે. ડિજિટલ ટિકિટ ધારકોને ટિકિટ બુક કરવા માટે ઉપયોગમાં લેવાતા તેમના મૂળ ખાતામાં 10 દિવસની અંદર રિફંડ આપવામાં આવશે. ફિજિકલ ટિકિટ ધારકોએ, જ્યાંથી ટિકિટ ખરીદી છે, તે સ્થળે ટિકિટ જમા કરાવી રિફંડ માટે દાવો કરવાનો રહેશે.’