પાકિસ્તાનની ક્રિકેટ ટીમને 'શરણાર્થી' સમજી બેઠા બ્રિટનના લોકો, શરૂ કર્યું આંદોલન! માંડ માંડ મામલો થાળે પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan U19 Mistaken For Refugees In England Hotel: ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણીમાં પોતાના નબળા પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમની અંડર-19 ટીમને પણ ઇંગ્લેન્ડની ધરતી પર મોટી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-19 સામે 1 યુથ ટેસ્ટ અને 4 યુથ વનડે મેચોની સીરિઝ રમવા પહોંચેલી પાકિસ્તાનની અંડર-19 ટીમને સ્થાનિક લોકોએ 'શરણાર્થીઓનું જૂથ' સમજી લીધું હતું, જેના પગલે ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર પ્રદર્શનકારીઓની ભીડ જમા થઈ ગઈ હતી.
'બ્રિટિશ ન હોય તેવા લોકો આવ્યા છે': હોટેલ બહાર પહોંચ્યા વિરોધીઓ
પાકિસ્તાનની અંડર-19 ટીમ પોર્ટ્સમાઉથની મેરિયટ હોટેલમાં રોકાઈ હતી. સ્થાનિક લોકોને એવી અફવા મળી હતી કે હોટેલમાં એવા લોકો આવીને રોકાયા છે જે બ્રિટિશ નથી લાગતા અને સંભવતઃ શરણાર્થીઓ છે. આ ખોટી માહિતી મળતાં જ વિરોધ પ્રદર્શકોનું એક જૂથ હોટેલની બહાર એકઠું થઈ ગયું હતું.
એક અહેવાલ અનુસાર, રિફોર્મ પાર્ટીના કાઉન્સિલર જ્યોર્જ મેડગ્વિકને આ ઘટનાની જાણ થતાં તેમણે તરત જ હોટેલ મેનેજમેન્ટ અને પાકિસ્તાન અંડર-19 ટીમના સ્ટાફ સાથે ફોન પર સંપર્ક સાધ્યો હતો. મેડગ્વિકે ટીમના કોચ સાથે સીધી વાત કરીને ખરી હકીકત મેળવી હતી અને ત્યારબાદ હોટેલ બહાર એકત્ર થયેલા દેખાવકારોને સમજાવ્યા હતા કે આ કોઈ શરણાર્થીઓ નથી પરંતુ ક્રિકેટ શ્રેણી રમવા આવેલી પાકિસ્તાનની અધિકૃત જુનિયર ક્રિકેટ ટીમ છે. સાચી માહિતી મળ્યા પછી ભીડ ત્યાંથી વિખેરાઈ ગઈ હતી.
ECB દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
પોર્ટ્સમાઉથની હોટેલ બહાર બનેલી આ ઘટના બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરત જ એક્શનમાં આવ્યું છે. ECBએ પાકિસ્તાન ટીમના મેનેજમેન્ટ સાથે તાકીદે સંપર્ક કર્યો છે અને સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાપૂર્વક સમીક્ષા હાથ ધરી છે.
પ્રવાસમાં ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન:
- યુથ ટેસ્ટ (2થી 5 સપ્ટેમ્બર): પાકિસ્તાન અંડર-19 ટીમનો 10 રને પરાજય થયો હતો.
- પ્રથમ યુથ વનડે (9 સપ્ટેમ્બર): પાકિસ્તાનની અંડર-19 ટીમે જોરદાર વાપસી કરીને 177 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
- આ સીરિઝનો હવે પછીનો મુકાબલો 12 સપ્ટેમ્બરના રોજ રમાશે.




