For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશ પ્રવાસ : પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં પાકિસ્તાનની ટીમે ધ્વજ લગાવતા વિવાદ

- પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશમાં ત્રણ ટી-20 અને બે ટેસ્ટ રમશે

- બાંગ્લાદેશના નારાજ ચાહકોએ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનને પાછા જતા રહેવાની સલાહ આપી

Updated: Nov 16th, 2021

Article Content Imageઢાકા, તા. ૧૬

ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર ફેંકાયેલી પાકિસ્તાનની ટીમ હાલ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમે તેને પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવેલા ગ્રાઉન્ડમાં તેના દેશનો ધ્વજ લગાવ્યો હતો. તેની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. જેના પગલે વિવાદ સર્જાયો હતો. બાંગ્લાદેેશના નારાજ ચાહકોએ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની આ પ્રકારની હરકતની ઉગ્ર ટીકા કરી હતી.

પાકિસ્તાને આ અંગેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેયર કરી હતી. જેની સામે બાંગ્લાદેશના ચાહકોએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, બીજા દેશમાં મહેમાન તરીકે આવીને પછી પોતાનો ધ્વજ લગાવી દેવો યોગ્ય ન કહેવાય. કેટલાક યૂઝર્સે તો પાકિસ્તાનની ક્રિકેટ ટીમને આવી અયોગ્ય હરકત બદલ સ્વદેશ પરત ફરી જવાની પણ સલાહ પણ આપી હતી.

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. એક યૂઝરે એમ પણ લખ્યું કે, અગાઉ બાંગ્લાદેશમાં ઘણી વિદેશી ક્રિકેટ ટીમો આવી છે, તેમ છતાં કોઈ ટીમે આવું કર્યું નથી. તો પાકિસ્તાન આવું શા માટે કરી રહ્યું છે. નોંધપાત્ર છે કે, યુએઈમાં ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન પણ પાકિસ્તાને પ્રેક્ટિસ દરમિયાન તે મેદાનમાં તેનો ધ્વજ લગાવ્યો હતો.

બાંગ્લાદેશ પ્રવાસમાં પાકિસ્તાનની ટીમને ત્રણ ટી-૨૦ રમવાની છે. પ્રથમ મેચ ૧૯મીએ, બીજી મેચ ૨૦મીએ અને ત્રીજી મેચ ૨૨મીએ રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ પણ રમાશે.

બાંગ્લાદેશે રહીમને આરામ આપ્યો

ઢાકા : બાંગ્લાદેશે તેના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રહીમને પાકિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણીમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની ટીમ : મહમુદુલ્લાહ (કેપ્ટન), નઈમ, નઝમુલ, અફિફ, નુરુલ હસન, મહેંદી હસન, એ. ઈસ્લામ, રહમાન, એસ.ઈસ્લામ, તસ્કીન, શમીમ, નાસુમ અહમદ, સૈફ, યાસિર અલી, શોહિદુલ, અકબર અલી.

Gujarat