ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
Indian Cricketers Reaction on Operation Sindoor: ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ 7 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
સેનાની આ કાર્યવાહી બાદ દેશના અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ સેનાને સલામ કરી અને 'જય હિન્દ'ના નારા લગાવ્યા. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, આકાશ ચોપરા અને પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈનાએ સેનાના વખાણ કર્યા છે.
આ ઉપરાંત ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવતીએ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન 'ઓપરેશન સિંદૂર'ની એક તસવીર શેર કરી, જેને સેનાએ જારી કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.' બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને 'કાયર' ગણાવી છે.