એક સમયે ટીમ ઈન્ડિયાને બનાવી હતી ચેમ્પિયન, હવે તેને જ હરાવવાનો પ્લાન! નવા રોલમાં 'ગુરુ' ગેરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Guru Gary Eyes Former Team: ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 15 ઓગસ્ટથી થવા જઈ રહ્યો છે. તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ ખાતે શ્રીલંકા ક્રિકેટ XI સામે ત્રણ દિવસીય વોર્મ-અપ પ્રેક્ટિસ મેચ રમીને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. જોકે, આ મેચના અંતિમ દિવસે એટલે કે 9 ઓગસ્ટે મેદાન પર એક એવો ચહેરો જોવા મળ્યો હતો જેનો ભારતીય ક્રિકેટના સુવર્ણ ઇતિહાસ સાથે ઊંડો અને ખાસ સંબંધ રહ્યો છે.
2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની 28 વર્ષની લાંબી રાહનો અંત આણીને ટીમને ચેમ્પિયન બનાવનાર પૂર્વ મુખ્ય કોચ ગેરી ક્રિર્સ્ટન ગુપચુપ રીતે ભારતીય ખેલાડીઓનો અભ્યાસ મુકાબલો જોવા પહોંચ્યા હતા. હાલમાં ગેરી ક્રિર્સ્ટન શ્રીલંકન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી સંભાળી રહ્યા છે.
ચુપચાપ બાઉન્ડ્રી લાઇન પાસે ટહેલતા જોવા મળ્યા
ભારતીય ટીમને પોતાની કોચિંગમાં વર્લ્ડ કપ અપાવનાર ‘ગુરુ ગેરી’ એક સમયે ભારત ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમની શાન હતા. જોકે હવે સમય અને પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં તેઓ શ્રીલંકાના કેમ્પમાં રહીને ભારતને હરાવવાની વ્યૂહરચના ઘડવાના છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન ગેરી કિર્સ્ટને કોઈ જ પ્રકારનો દેકારો કર્યા વિના શાંતિથી બાઉન્ડ્રી લાઇન પાસે ટહેલીને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન અને રમત પર નજર રાખી હતી.
શરૂઆતમાં મેદાન પર ઉપસ્થિત બહુ ઓછા લોકોનું ધ્યાન તેમની તરફ ગયું હતું, પરંતુ બાદમાં ભારતીય મીડિયાએ તેમને ઓળખી લીધા હતા. કેટલાક ફેન્સે તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી અને દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરે તેમને નિરાશ કર્યા નહોતા. ગેરી ક્રિર્સ્ટન આ દરમિયાન સ્કોરબોર્ડ અને ખેલાડીઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ એનસીસીના મુખ્ય પેવેલિયનમાં આવેલા કેફેમાં ગયા હતા.
ભારતીય ખેલાડીઓ સાથે કરી મુલાકાત
મેદાન પર ટહેલતી વખતે ગેરી ક્રિર્સ્ટનની મુલાકાત ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બરાર સાથે થઈ હતી, જ્યારે બરાર હાઇડ્રેશન બ્રેક લઈ રહ્યો હતો. બંને વચ્ચે થોડીવાર વાતચીત થઈ હતી. આ ઉપરાંત, તેમણે ડાબોડી સ્પિનર માનવ સુથાર અને ભારતીય ટીમના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ સાથે પણ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરનૂર બરાર અને માનવ સુથાર ગેરી ક્રિર્સ્ટનથી અગાઉથી જ પરિચિત છે. જ્યારે ક્રિર્સ્ટન વર્ષ 2022થી 2024 દરમિયાન આઈપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT)ના બેટિંગ કોચ અને મેન્ટર હતા, ત્યારે આ બંને ખેલાડીઓ ગેટ-નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયેલા હતા.
તસવીર બદલાઈ: ભૂતપૂર્વ પક્ષ સામે હવે વિપક્ષી મોરચો
ગેરી ક્રિર્સ્ટનની ગણના ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ અને પ્રિય કોચમાં થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ જ્યારે ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ગેરી ક્રિર્સ્ટન ટીમના હેડ કોચ હતા. એક સમયે જે ટીમની ખામીઓ સુધારવાનું કામ ગેરી ક્રિર્સ્ટન કરતા હતા, હવે તે જ ટીમની કમજોરીઓ શોધીને તેને પરાસ્ત કરવાની જવાબદારી તેમના શિરે છે.
કોલંબોમાં રમાયેલી આ પ્રેક્ટિસ મેચ ખૂબ જ હળવા વાતાવરણમાં રમાઈ હતી, પરંતુ 15 ઓગસ્ટથી ગૉલ ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચનું વાતાવરણ તદ્દન અલગ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના મહત્ત્વપૂર્ણ પોઇન્ટ્સ દાવ પર હોવાથી બંને દેશો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.









