'યોગ્ય સમયે કર્મોનું ફળ મળશે', ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા સ્ટાર ક્રિકેટરનું દર્દ છલકાયું

Mukesh Kumar Cryptic Post: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે માત્ર એક દિવસનો સમય રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમારની ક્રિપ્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ભારત માટે 2024માં છેલ્લી ટેસ્ટ રમનાર મુકેશ કુમારનું સિલેક્શન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી સિનિયર ટીમમાં નહોતું થયું, જોકે તેણે અહીં ઈન્ડિયા A માટે એક મેચ રમ્યો હતો. મુકેશે ઈન્ડિયા A માટે 1 મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેને બીજી મેચમાં તક ન મળી અને ન તો તેણે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી.
મુકેશ કુમારનું દર્દ છલકાયું
હવે મુકેશ કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્મ સાથે સંબંધિત એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને ચાહકો ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા પર નિશાન તરીકે જોઈ રહ્યા છે.

વાસ્તવમાં સારિઝ શરૂ થાય તે પહેલાં ગૌતમ ગંભીરના પ્રિય કહેવાતા હર્ષિત રાણાને અચાનક ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો. રાણાએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 1 મેચ રમી હતી જેમાં તેણે 1 વિકેટ લીધી હતી, બીજી તરફ ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું.
મુકેશ કુમારે પોતાની ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું કે, કર્મ પોતાનો સમય આપે છે. તમારે હંમેશા સાવચેત રહેવું પડશે. કર્મ માફ નથી કરતું અને હંમેશા તેનું ફળ મળે છે. મુકેશ કુમારની આ પોસ્ટને લઈને ચાહકો ભાત-ભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જુઓ ચાહકોની પ્રતિક્રિયા-
હર્ષિત રાણાનું ટેસ્ટ ડેબ્યૂ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર થયુ હતું, જ્યાં તેને બે મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે 4 જ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તે વન-ડે અને ટી20 ડેબ્યૂ પણ કરી ચૂક્યો છે. રાણા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમનો પણ હિસ્સો હતો.
આ પણ વાંચો: VIDEO : ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલથી હુમલા, હોસ્પિટલને બનાવી નિશાન
બીજી તરફ મુકેશે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેણે 7 વિકેટ ખેરવી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ટેસ્ટ સીરિઝ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું, અને ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે ઘરેલુ સીરિઝનો પણ હિસ્સો હતો.

