એક યુગનો અંત! MS ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ, હવે CSKમાં આ નવી ભૂમિકામાં જોવા મળશે 'થાલા'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MS Dhoni Retires From IPL, Appointed Chennai Super Kings Mentor for IPL 2027 | ક્રિકેટ જગતમાં જે ક્ષણની વર્ષોથી અટકળો ચાલી રહી હતી, તે આખરે આવી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ અને લોકપ્રિય ટીમ બનાવનાર મહાન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક ખેલાડી તરીકે IPL માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 45 વર્ષીય ધોનીએ મંગળવારે(17 નવેમ્બર, 2026) પોતાની ભવ્ય IPL કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે. જોકે, ચાહકો માટે રાહતની વાત એ છે કે તેઓ પીળી જર્સીથી દૂર નહીં થાય. IPL 2027ની સિઝનથી તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના 'ટીમ મેન્ટર' તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે.
રિટેન્શન ડેડલાઇનના દિવસે CSK એ આ મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા જ ફ્રેન્ચાઈઝીએ ઝહીર ખાનને પોતાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, અને હવે ધોની મેન્ટર તરીકે તેમની સાથે જોડાશે.
'એમએસ ધોની વિના કોઈ CSK નથી': એન. શ્રીનિવાસન
2008માં IPLની પ્રથમ સિઝનથી જ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની ઓળખના કેન્દ્રમાં રહ્યા છે. તેમણે ચેપોક સ્ટેડિયમમાં ચાહકોનો એવો કાફલો ઊભો કર્યો જે ટૂર્નામેન્ટની સૌથી ખાસ ઓળખ બની ગયો. આ પ્રસંગે CSKના માલિક એન. શ્રીનિવાસને 2008માં ધોનીને ટીમમાં સામેલ કરવાના નિર્ણયને પોતાના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો હતો.
એમએસ ધોની વિના કોઈ CSK નથી. લગભગ બે દાયકા સુધી અમે જીત, હાર અને તેની વચ્ચેની દરેક પરિસ્થિતિમાં સાથે ચાલ્યા છીએ અને સાથે આગળ વધ્યા છીએ. અમારો સંબંધ આટલો મજબૂત છે તેની પાછળ એક જ કારણ છે: અમે એકબીજાના ઇરાદાઓ પર શંકા કરતા નથી. એ વિશ્વાસે જ આ સફરને શક્ય બનાવી છે. - એન. શ્રીનિવાસન, માલિક (ચેન્નાઈ સુપર કિંગ્સ)
5 IPL ટાઇટલ અને 10 ફાઇનલનો ઐતિહાસિક રૅકોર્ડ
ધોનીના આંકડા તેમની મહાનતાની માત્ર એક ઝલક આપે છે. તેમની કૅપ્ટનશીપ હેઠળ CSK એ 5 IPL ટાઇટલ (2010, 2011, 2018, 2021 અને 2023) જીત્યા અને મુંબઈ ઇન્ડિયન્સની બરાબરી કરી. તેમના નેતૃત્વમાં CSK કુલ 10 IPL ફાઇનલમાં પહોંચી હતી. 2016 અને 2017માં CSK પર બે વર્ષના પ્રતિબંધ દરમિયાન ધોની 'રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ' તરફથી રમ્યા હતા, પરંતુ 2018માં ચેન્નાઈમાં પરત ફરતા જ ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેમની અંતિમ ટાઇટલ જીત 2023માં અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં આવી હતી, જ્યાં રવિન્દ્ર જાડેજાના અંતિમ બોલના ચોગ્ગા બાદ ધોનીએ જાડેજાને તેડી લીધા હતા.
છેલ્લી સિઝન્સમાં બદલાયેલી ભૂમિકા અને ફિટનેસનો પડકાર
2023ની જીત બાદ ઘૂંટણની સર્જરી કરાવીને ધોની 2024માં ફરી મેદાન પર ઉતર્યા હતા, જ્યાં તેઓ ઈનિંગ્સના અંતિમ તબક્કામાં પાવર હિટર તરીકે રમ્યા.
IPL 2023: 182 થી વધુના સ્ટ્રાઈક રેટથી 104 રન.
IPL 2024: 11 ઈનિંગ્સમાં 220.54 ના અદભુત સ્ટ્રાઈક રેટથી 161 રન.
IPL 2025: તમામ 14 મેચ રમીને 196 રન બનાવ્યા. આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને કારણે બહાર થતા ધોનીએ ફરી કૅપ્ટનશીપ સંભાળી હતી, જોકે CSK પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
IPL 2026: એક ખેલાડી તરીકે આ તેમની અંતિમ સિઝન સાબિત થઈ, જોકે ફિટનેસની સમસ્યાઓના કારણે તેઓ એક પણ મેચ રમી શક્યા નહોતા.




