For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રમતના મેદાનથી રાજકારણના અખાડામાં ઉતરેલાં ખેલાડીઓ, કોઈ મહારથી તો કોઈના ડાંડિયા ડૂલ થયા

Updated: May 8th, 2024

રમતના મેદાનથી રાજકારણના અખાડામાં ઉતરેલાં ખેલાડીઓ, કોઈ મહારથી તો કોઈના ડાંડિયા ડૂલ થયા

Sports giants entered in Politics: રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં અભણ, ઉચ્ચ અભ્યાસ કરનારા, ડોક્ટર, વકીલ અને અન્ય ક્ષેત્રના પ્રોફેશનલ આવતા હોય છે. અહીંયા જાતભાતના પ્રોફેશનમાં જોડાયેલા લોકો પોતાની રાજકીય કારકિર્દી બનાવવા મથતા હોય છે. બીજી તરફ દેશમાં એવા ઘણા રમતવીરો છે જેમણે રમતના મેદાનની સાથે સાથે રાજકારણના મેદાન ઉપર પોતાના વિશેષ છાપ છોડી છે. 

ભાજપ, કોંગ્રેસ, ટીએમસી અને બીજા ઘણા પક્ષો દ્વારા સમયાંતરે ખેલાડીઓને રાજકારણની પીચ ઉપર ઉતારવામાં આવ્યા છે. કોઈએ જીતીને અને અજેય રહીને રેકોર્ડ બનાવ્યા છે તો કોઈના ડાંડિયા પણ ડુલ થઈ ગયા છે. રમતના મેદાન ઉપર છવાયેલા ખેલાડીઓ રાજકારણમાં ચાલ્યા નથી તેવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા જ છે. 

Article Content Image

ક્રિકેટર યુસુફ પઠાણનું રાજકારણમાં ડેબ્યૂ

તાજેતરની લોકસભા ચૂંટણીમાં ટીએમસી દ્વારા ક્રિકેટર યુસુફ પઠાણને રાજકારણમાં ડેબ્યૂ કરાવવામાં આવ્યું છે. મમતા બેનરજી દ્વારા ગુજરાતી ખેલાડી યુસુફ પઠાણને ગુજરાતમાંથી નહીં પણ બંગાળમાંથી રાજકીય મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. યુસુફ પઠાણને મુર્શીદાબાદ જિલ્લાના બેહરામપુર લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. 

ક્રિકેટમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુસુફ પઠાણ રાજકીય પીચ ઉપર કેટલી બેટિંગ અને બોલિંગ કરી શકે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં ખબર પડશે. યુસુફનું વિજયી ડેબ્યૂ થશે કે હિટ વિકેટ થશે તે આવનારો સમય કહેશે. 

ટીએમસી દ્વારા યુસુફની સાથે સાથે પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદને પણ ટિકિટ આપવામાં આવી છે. કિર્તી આઝાદને દુર્ગાપુરની બેઠક ઉપરથી ઊભા રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓની રાજકીય કારકિર્દી કેવી રહેશે તે પરિણામ જણાવશે પણ એક નજર કરીએ એવા ખેલાડીઓ ઉપર જેમણે રમતના મેદાનમાં છવાઈ જવા ઉપરાંત રાજકારણની પીચ ઉપર પણ પોતાનો સિતારો ચમકતો કરી દીધો. કેટલાક ખેલાડીઓ એવા પણ કમનસીબ રહ્યા જેમના નસીબમાં પરાજય લખ્યો હતો. 

Article Content Image

મોહમ્મદ અઝહરુદ્દીને પણ રાજકીય પીચ ઉપર પોતાનું નસીબ અજમાવ્યું હતું 

ભારતીય ટીમના પૂર્વ સુકાની અને બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને પણ રાજકીય પીચ ઉપર પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાજરમતના મેદાન ઉપર તેમને પરાજયની હેટ્રિકનો રેકોર્ડ સર્જવાનું સૌભાગ્ય સાંપડયું હતું. મોહમ્મદ અઝહરુદ્દીને 2009માં કોંગ્રેસનો હાથ પકડયો હતો. 2009 લોકસભામાં કોંગ્રેસ દ્વારા અઝહરને ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. તેઓ રાજરમતના મેદાન ઉપર ડેબ્યૂમાં જ વિજયી થઈ ગયા હતા. 

ત્યારબાદ 2014માં ટોંક સવાઈ માધોપુર બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં પણ અઝહરુદ્દીનનો પરાજય જ થયો હતો. ત્યારબાદ 2023માં મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં તેઓ હૈદારબાદના જુબલી હિલ્સ વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમનો પરાજય થયો હતો.  

Article Content Image

મનોજ પ્રભાકરે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજકારણમાં પ્રવેશ લીધો હતો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજકારણની પીચ ઉપર ડેબ્યૂ કર્યું હતું. મનોજ પ્રભાકરે ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ (તિવારી કોંગ્રેસ) સાથે જોડાણ કર્યું હતું. 1996ની લોકસભા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ દ્વારા તેમને સાઉથ દિલ્હીની બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. 

મનોજ પ્રભાકરની સામે ત્યારે ભાજપના મહિલા નેતા સુષમા સ્વરાજ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ઊભા હતા. ક્રિકેટમાં ઓલ રાઉડ પ્રદર્શન કરનારા મનોજ પ્રભાકર રાજરમતની પીચ ઉપર ડેબ્યૂમાં આઉટ થઈ ગયા હતા. સુષ્મા સ્વરાજે તેમને પરાજય આપ્યો હતો. ચૂંટણીમાં મનોજ પ્રભાકર ત્રીજા ક્રમે રહ્યા હતા. 

Article Content Image

કીર્તિ આઝાદ પણ રાજરમતમાં ઉતર્યા હતા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના પુત્ર કીર્તિ આઝાદ પણ ક્રિકેટ છોડયા બાદ રાજરમતમાં ઉતર્યા હતા. દિલ્હીની ગોલ માર્કેટથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા હતા. આ ઉપરાંત ભાજપની ટિકિટ ઉપર તેઓ સાંસદ પણ બન્યા છે. ત્યારબાદ ભાજપ સાથે વાંધો પડતા તેમણે ભાજપ સાથે છેડો ફાડયો હતો. ત્યારબાદ કોંગ્રેસનો હાથ પકડયો હતો. 

જો કે, થોડા જ સમયમાં કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. ટીએમસી દ્વારા તેમને 2024ની લોકસભામાં અવસર આપવામાં આવ્યો છે. મમતા દ્વારા કીર્તિ આઝાદને દુર્ગાપુર બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. 

Article Content Image

ચેતન ચૌહાણે રાજકારણમાં કર્યું હતું સારું પ્રદર્શન  

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું 2020માં જ નિધન થયું હતું. ચેતન ચૌહાણ એવા ક્રિકેટર હતા જેઓ રાજરમતના મેદાનમાં પણ ખૂબ જ સારો દેખાવ કરી શક્યા હતા. 1969માં ચેતન ચૌહાણ દ્વારા ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટ ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. ચેતન ચૌહાણ બે વખત લોકસભામાં જીતીને પહોંચ્યા છે. 

ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશની આમરોહ લોકસભા બેઠક ઉપર તેમને અવસર આપવામાં આવ્યો હતો. બંને વખત તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2017માં ઉત્તર પ્રદેશ નૌગાંવ સાદાત વિધાનસભા બેઠક ઉપરથી પણ તેમને અવસર અપાયો હતો. ત્યાં પણ તેઓ વિજયી બન્યા હતા. યોગી કેબિનેટમાં પણ ચેતન ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું હતું.

Article Content Image

નવજોતસિંહ સિદ્ધુ રાજકારણમાં પણ માહેર ખેલાડી ગણાય છે

નવજોત સિંહ સિદ્ધુ પણ ભારતના જાણીકા ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે. તેઓ રમતના મેદાન ઉપર રાજરમતના મેદાનના પણ માહેર ખેલાડી ગણાય છે. ક્રિકેટ છોડયા બાદ સિદ્ધુઓ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. ભાજપ દ્વારા નવજોત સિંહ સિદ્ધુને 2004 અને 2009 લોકસભામાં અવસર આપવામાં આવ્યો હતો. આ બંને લોકસભા ચૂંટણીઓમાં સિદ્ધુને વિજય મળ્યો હતો. 

ત્યારબાદ કોંગ્રેસને ભાજપ સાથે વાંધો પડયો અને તેમણે કોંગ્રેસ સાથે જોડાણ કરી લીધું. કોંગ્રેસ દ્વારા સિદ્ધુને અમૃતસરથી ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ પંજાબ સરકારમાં મંત્રી તરીકે પણ કાર્યરત હતા. ત્યારબાદ 2022માં સિદ્ધુ કોંગ્રેસની ટિકિટ ઉપર વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 

Article Content Image

શ્રીસંત અને મનોજ તિવારી

ક્રિકેટ જગતમાં થોડા સમય માટે ચમકેલા અને અલોપ થઈ ગયેલા ખેલાડીઓમાં શ્રીસંત એવો ખેલાડી છે જેને રાજકારણમાં પણ સફળતા મળી નહોતી. ક્રિકેટમાં મળતી સફળતાને મેચ ફિક્સિંગના આરોપોમાં ગુમાવનારા શ્રીસંતે ભાજપ જોઈન કરી લીધું હતું. 2016માં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. 

આવો જ ખેલાડી મનોજ તિવારી પણ છે. તેને ક્રિકેટમાં ખાસ સફળતા મળી નહોતી પણ રાજકારણમાં સફળતા મળી ગઈ હતી. પશ્ચિમ બંગાળની 2021ની  વિધાનસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ દ્વારા મનોજ તિવારીને અવસર આપવામાં આવ્યો હતો. શિબપુર બેઠક ઉપરથી મનોજ તિવારીનો વિજય થયો હતો. 

Article Content Image

મંસુર અલી ખાન પટૌડી

મંસુર અલી ખાન પટૌડીએ પહેલી વખત 1971માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તે સમયે તેઓ હરિયાણાથી રાવ વીરેન્દ્ર સિંહના વિશાલ હરિયાણા પાર્ટી સાથે જોડાયા હતા. તેની ટિકિટ ઉપરથી તેઓ ગુડગાંવ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. 

ત્યારબાદ બે દાયકા જેટલા લાંબા સમયના વિરામ બાદ તેઓ રાજકારણમાં પાછા આવ્યા હતા. તે સમયે તેમણે કોંગ્રેસનો હાથ પકડયો હતો. કોંગ્રેસ દ્વારા તેમને ભોપાલથી લોકસભાની બેઠક આપવામાં આવી હતી. તે સમયે પણ તેમનો પરાજય થયો હતો. ભાજપના સુશીલચંદ્ર શર્માએ તેમને પરાજય આપ્યો હતો.

Article Content Image

ઓલરાઉન્ડર ચેતન શર્માનો લોકસભાની પીચ થયો હતો ગોલ્ડન ડક

ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ દ્વારા વિરોધીઓને પરાજીત કરનારા અને હંફાવનાર ઓલરાઉન્ડર ચેતન શર્માએ પણ રાજકારણની પીચ ઉપર ડેબ્યૂ કર્યું હતું. લોકસભાની પીચ ઉપર તેમનો ગજ વાગ્યો નહોતો અને ગોલ્ડન ડક થયા હતા. પહેલાં જ ચૂંટણીમાં પરાજય થયો હતો. 

2009 લોકસભામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ચેતન શર્માને હરિયાણાની ફરિદાબાદ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર અવતાર સિંહ ભડાનાના ઓલરાઉન્ડ પરફોર્મેન્સ સામે ચેતન શર્મા ટક્યા નહોતા. ભડાના દ્વારા ચેતન શર્માને પરાજય આપવામાં આવ્યો હતો.

Article Content Image

પંજાબી અભિનેતા અને ક્રિકેટર યોગરાજ સિંહે પણ કર્યું હતું રાજકારણમાં ડેબ્યૂ

દેશને 2009નો T-20 વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વનું યોગદાન આપનારા તથા 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતના ટાઈટલ વિજયમાં મહત્ત્વનું યોગદાન આપનારા યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ ક્રિકેટ ઉપરાંત રાજકારણમાં પોતાનું ભાગ્ય અજમાવવા ઉતર્યા હતા. તેઓ એક ટેસ્ટ અને છ ઈન્ટરનેશનલ વન-ડે રમ્યા છે. 

તેમની ઓળખ જાણીતા પંજાબી અભિનેતા તરીકે પણ થતી હતી. 2009માં તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ સાથે જોડાયા હતા. ઈન્ડિયન નેશનલ લોકદળ દ્વારા તેમને હરિયાણા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. 

Article Content Image

મોહમ્મદ કૈફે રાજરમતમાં ચાખ્યો હતો પરાજયનો સ્વાદ 

પોતાની ફિલ્ડિંગ અને મીડલ ઓર્ડરમાં બેટિંગ માટે જાણીતા તથા યુવરાજ સિંહના મીડલ ઓર્ડરના બેટિંગ પાર્ટનર તરીકે જાણીતા મોહમ્મદ કૈફને પણ રાજકારણ ખાસ ફાવ્યું નહોતું. રમતના મેદાનના સુપરસ્ટારને રાજરમતના મેદાનમાં પરાજયનો જ સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો. 

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન મોહમ્મદ કૈફને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. મોહમ્મદ કૈફને ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠક ઉપરથી ઊભા રાખવામાં આવ્યા હતા. ભાજપની 2014ની તાબડતોબ બેટિંગ સામે  કૈફની ફિલ્ડિંગ કામ લાગી નહોતી. યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય દ્વારા તેમને પરાજય આપવામાં આવ્યો હતો.

Article Content Image

ક્રિકેટમાં કાંબલી લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા 

ક્રિકેટના લેજેન્ડ્રી ખેલાડી સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને બેટિંગ પાર્ટનર વિનોદ કાંબલી રાજરમતના મેદાનમાં પણ ખાસ દેખાવ કરી શક્યા નહોતા. ક્રિકેટમાં પણ કાંબલી લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા તેમ રાજકારણની પીચ ઉપર પણ તેમને ખાસ તક મળી નહોતી. 

2009માં વિનોદ કાંબલી દ્વારા મુંબઈની વિક્રોલી બેઠક ઉપરથી ચૂંટણી લડવામાં આવી હતી. લોક ભારતી પાર્ટી દ્વારા વિનોદ કાંબલીને વિક્રોલી બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં વિનોદ કાંબલીના ડાંડિયા ડૂલ થઈ ગયા હતા. 

Article Content Image

ઓલિમ્પિકની જેમ રાજનીતિમાં પણ રાજ્યવર્ધન રાઠોડ છવાયા

2004 એથેન્સ ઓલિમ્પિકમાં રાઈફલ શૂટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારા રાજ્યવર્ધનસિંહ રાઠોડને રાજકારણનું મેદાન પણ ફાવી ગયું હતું. 2004માં જ્યારે રાઠોડ મેડલ જીતીને લાવ્યા ત્યારે વસુંધરા રાજે રાજસ્થાનના સીએમ હતા. તેમણે દિલ્હીથી રાજસ્થાન સુધી રાઠોડ માટે વિજયી સરઘસ કાઢ્યું હતું. રમતગમતની કારકિર્દી બાદ રાજ્યવર્ધન રાઠોડે રાજનીતિમાં કેસરીયા કરતા ભાજપ સાથે જોડાણ કર્યું હતું. 

ભાજપ દ્વારા 2014ની લોકસભા ચૂંટણીમાં જયપૂર ગ્રામ્ય બેઠક ઉપરથી રાજ્યવર્ધન રાઠોડને ટિકિટ આપવામાં આવી હતી. રાજ્યવર્ધન રાઠોડે આ ચૂંટણીમાં કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી સી.પી. જોશીને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં વિજય બાદ તેઓ સાંસદ થયા અને સાથે સાથે મોદી સરકારમાં કેબિનેટમાં પણ સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યવર્ધન રાઠોડને અવસર આપવામાં આવ્યો. આ ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો. 

Article Content Image

સચીન, પીટી ઉષા, મેરિકોમ, હરભજન રાજ્યસભા પહોંચ્યા

ભારતીય રમતગમતના એવા પણ ખેલાડીઓ છે જેમને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડીને નહીં પણ રાજ્યસભામાં પસંદગીથી સાંસદ બનવાનો અવસર મળ્યો હતો. ક્રિકેટના સુપર સ્ટાર અને ભારત રત્ન સચિન તેંડુલકરને પણ સાંસદ બનવાનો અવસર મળ્યો હતો. 2012 થી 2018 સુધી સચીનને રાજ્ય સભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. 

રાજ્યસભા સાંસદોની યાદીમાં પી.ટી. ઉષાનું નામ પણ આવે છે. તેમને જુલાઈ 2022માં જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં દિલ્હીમાં જે પહેલવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા તેમાં તપાસ સમિતિમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું હતું. 

પાંચ વખત બોક્સિંગમાં ચેમ્પિયન બનનાર મેરી કોમને પણ એપ્રિલ 2016માં રાજ્યસભા સાંસદ બનાવવામાં આવ્યા હતા. હરભજન સિંહ પણ આ જ હરોળમાં છે. આમ આદમી પાર્ટી દ્વારા 2022માં તેને રાજ્યસભામાં મોકલવામાં આવ્યો હતો. 

બોક્સર વિજેન્દ્ર સિંહે પણ રાજરમતનું મેદાન અજમાવ્યું હતું. તેણે કોંગ્રેસ સાથે શરૃઆત કરી હતી. 2019ની ચૂંટણીમાં સાઉથ દિલ્હી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પણ કરી હતી. 2019ની આ ચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ થોડા સમય પહેલાં તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ દેખાયો હતો. 

તાજેતરમાં જ એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાણ કરી લીધું છે. ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ સુકાની બાઈચુંગ ભુટીયા પણ ટીએમસીની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડયા હતા. તેમાં તેમનો પરાજય થયો હતો. 

Article Content Image

પોલો ઈન્ટરનેશનલ ખેલાડી અશોક ચંદાના રાજસ્થાનના મંત્રી

પોલોના ઈન્ટરનેશનલ ખેલાડી તરીકે નામના મેળવનાર અશોક ચંદાના વિવિધ ગેમ્સમાં મહારથી રહ્યા છે. તેઓ સ્ટેટલેવલ ક્રિકેટ, ઘોડેસવારી, સ્વિમિંગ અને વોલીબોલના પણ ખેલાડી હતી. તેમણે રમતગમત બાદ રાજકારણ પસંદ કર્યું હતું. કોંગ્રેસ સાથે જોડાયા બાદ રાજકીય કારકિર્દી શરૃ કરી હતી. કોંગ્રેસ દ્વારા ગત વિધાનસભા ચૂંટણીમાં અશોક ચંદાનાને અવસર આપવામાં આવ્યો હતો. 

તેઓ હિંડોલી(બુંદી) બેઠક ઉપરથી વિજયી બન્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા તેમને રાજ્ય રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે રાજસ્થાન કોંગ્રેસ સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે ઓલિમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અશોક ચંદાનાની જવાબદારી અને ભૂમિકા મોટા અને મહત્ત્વના રહ્યા હતા. 

Article Content Image

હરિયાણાની મેડાલિસ્ટ ક્રિષ્ના પુનિયા રાજસ્થાનની મંત્રી બની

હરિયાણાના ગ્રામ્ય વિસ્તારની એક દીકરી ક્રિષ્ના પુનિયા ઓલિમ્પિક સહિત દેશ-વિદેશમાં ભારત તરફથી ડિસ્કસ થ્રોમાં ભાગ લઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં અનેક ઈન્ટરનેશનલ મેડલ જીતનારી ક્રિષ્ના પુનિયાના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. ત્યાં ક્રિષ્નાએ કોંગ્રેસનો હાથ પકડયો હતો. 

કોંગ્રેસ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીમાં અવસર આપવામાં આવ્યો હતો. 2019માં ક્રિષ્નાને જયપુર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધન રાઠોડ સામે ઉતારવામાં આવી હતી. આ ચૂંટણીમાં બંને ખેલાડીઓ વચ્ચેના જંગમાં રાજ્યવર્ધન રાઠોડનો વિજય થયો હતો. ત્યારબાદ ક્રિષ્ના સાદુલપુરથી ધારસભ્ય પણ બની હતી. 

2011 વર્લ્ડકપ વિજેતા ટીમના ત્રણ ખેલાડીઓ ત્રણ પક્ષોનાં નેતા બન્યા

રાજકારણની વાત આવે ત્યારે ઘણી વખત માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ અને પત્ની તથા મિત્રો અને ભાઈ-ભાઈ પણ આમને સામને આવી જતા હોય છે. અહીંયા એવા જ ત્રણ નેતાઓની વાત કરવી છે જે એક સમયે એક જ ટીમમાં હતા. તેઓ સાથે ક્રિકેટ રમતા હતા, ઘણી વખત એક જ ટેબલ ઉપર બેસીને ભોજન કર્યું છે અને તેનાથી આગળ વધીને કહીએ તો 2011ની સાલમાં ભારતને વન-ડે વર્લ્ડ કપ જીતાડનાર ટીમનો ભાગ પણ હતા. 

ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ એવા ત્રણ ખેલાડીઓ છે જે રમત મેદાન છોડીને રાજરમતના મેદાનમાં સામસામે આવી ગયા હતા. નવાઈની વાત એવી છે કે, આ ત્રણેય ખેલાડીઓ ત્રણ અલગ અલગ પક્ષના પ્રતિનિધિ છે. ગૌતમ ગંભીર ભાજપના નેતા અને સાસંદ થયા હતા. હરભજન સિંહ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે જ્યારે યુસુફ પઠાણને તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળમાં લોકસભાની બેઠક ઉપર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

Article Content Image

Gujarat