ભ્રષ્ટાચારના કેસમાં સજા ભોગવીને પરત ફરેલા ક્રિકટરે ગજબનું કારનામું કર્યું, મિયાદાદ-ગેલનો તોડ્યો રેકોર્ડ
Brendan Taylor Record : ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન બ્રેન્ડન ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી એન્ટ્રી કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ICCએ ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ટેલર પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. હવે તે સજા ભોગવી ક્રિકેટના મેદાન પરત ફર્યો છે. તે આજે (29 ઓગસ્ટ) શ્રીલંકા સામેની વન-ડે મેચમાં રમવા ઉતર્યો હતો, જ્યાં તેણે રેકોર્ડ સર્જ્યો છે. તેણે સૌથી લાંબી વન-ડે કારકિર્દી ધરાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સચિન અને જયસૂર્યાથી જ પાછળ
39 વર્ષીય બ્રેન્ડન ટેલરે 20 એપ્રિલ 2004ના રોજ પોતાની વન-ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે 21 વર્ષ અને 132 દિવસના લાંબા ગાળા બાદ વન-ડે ક્રિકેટમાં પરત ફરતા જ ટેલરે આ રેકોર્ડ બનાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટેલર હવે પુરુષ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ દિવસો રમનાર ખેલાડીઓમાં માત્ર સચિન તેંડુલકર (22 વર્ષ, 91 દિવસ) અને શ્રીલંકાના દિગ્ગજ સનત જયસૂર્યા (21 વર્ષ, 184 દિવસ)થી જ પાછળ છે. આ સાથે તેણે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાતિદ મિયાંદાદ (20 વર્ષ, 272 દિવસ)ને પાછળ છોડી દીધો છે.
પ્રતિબંધ બાદ શાનદાર વાપસી
ICCની સજા ભોગવીને પરત ફર્યા બાદ ટેલરે ઓગસ્ટની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે તેણે 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં સૌથી લાંબી ટેસ્ટ કારકિર્દીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ દર્શાવે છે કે, ટેલરે પ્રતિબંધ અને લાંબા સમયની ગેરહાજરી બાદ પણ પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.
ટેલર ત્રીજી સૌથી લાંબી વન-ડે કારકિર્દી ધરાવતો ખેલાડી બન્યો
ટેલરે 2015ના વર્લ્ડકપમાં બે સદી ફટકારી હતી
બ્રેન્ડન ટેલર ઝિમ્બાબ્વેના ક્રિકેટર, તેની લાંબી કારકિર્દી અને એક ટોપ-ઓર્ડર બેટ્સમેન તેમજ વિકેટકીપર તરીકેના સતત પ્રદર્શન માટે જાણીતો છે. ટેલર વન-ડે ઇન્ટરનેશનલ (ODI) માં ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન અને સૌથી વધુ સદી (11) ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. 2013માં બાંગ્લાદેશ સામે 219 રન બનાવીને ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ઝિમ્બાબ્વેન ખેલાડી બન્યો હતો. 2015ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ટેલર એકમાત્ર ઝિમ્બાબ્વેન ખેલાડી બન્યો જેણે સતત બે મેચમાં સદી ફટકારી હોય.
આ પણ વાંચો : રશિયાના ભયાનક હુમલામાં કીવ ધણધણ્યું, 22 લોકોના મોત, ઝેલેન્સ્કીએ પુતિન પર સાધ્યું નિશાન