સ્ટાર ફૂટબોલર મેસ્સી ભારતમાં રમવા આવશે, આર્જેન્ટિનાએ કર્યું કન્ફર્મ, ફેન્સમાં ખુશીની લહેર
Lionel Messi in India : આર્જેન્ટિના ફૂટબોલ સંઘ (AFA) દ્વારા શનિવારે લિયોનેલ મેસીની ભારત યાત્રાની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. વિશ્વ વિજેતા ટીમનો કેપ્ટન નવેમ્બર મહિનામાં કેરળ રાજ્યમાં એક ફ્રેન્ડલી મેચ રમવા આવશે. આ યાત્રા વર્ષના અંતિમ આંતરરાષ્ટ્રીય ફુટબોલ બ્રેક દરમિયાન કરવામાં આવશે.
આ પણ વાંચો: હાલ વનડેથી નિવૃત્ત નહીં થાય વિરાટ કોહલી અને રોહિત શર્મા! BCCIએ જ કર્યું કન્ફર્મ
કેરળમાં નવેમ્બર મહિનામાં મેચ રમશે
AFA દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, નવેમ્બર 10 થી 18 દરમિયાન કોઈપણ દિવસે કેરળમાં મેચ યોજાશે. એ જ તારીખોમાં મેસી અને આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ અંગોલાની રાજધાની લુઆન્ડામાં પણ એક મેચ રમશે. આ બે મેચ અગાઉ ઓક્ટોબરમાં, 6 થી 14 તારીખ વચ્ચે, મેસી એક મેચ અમેરિકામાં પણ રમશે. ત્રણે મેચમાં આર્જેન્ટિનાની હરિફ ટીમ કોણ હશે એ નક્કી કરવાનું હજુ બાકી છે. કેરળમાં કયા શહેરમાં મેચ રમાશે એ પણ હજુ જાહેર નથી કરાયું. આ મેચો 2026 ફિફા વિશ્વ કપ માટેની આર્જેન્ટિનાની તૈયારીના ભાગરૂપે રમાશે.
ડિસેમ્બરમાં ભારતના ચાર શહેરોનો પ્રવાસ કરશે
નવેમ્બરમાં ભારતમાં રમ્યા બાદ મેસી ડિસેમ્બર મહિનામાં ફરી ભારત આવશે. ત્યારે તે બેંગલુરુ, કોલકાતા, મુંબઈ અને દિલ્હી એમ ચાર શહેરોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન, તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચમાં ભાગ લેશે અને દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
ભારતીય ચાહકો માટે સુવર્ણ તક
મેસીની મુલાકાત ભારતીય ફૂટબોલના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના સાબિત થશે. એને લીધે દેશમાં ફૂટબોલની લોકપ્રિયતામાં ઉછાળો આવશે. ભારતના ફૂટબોલ પ્રશંસકો માટે મેસીને રમતો જોવાની આ સુવર્ણ તક છે, તેથી AFAની જાહેરાતથી મેસીના ફૅન્સમાં ઉત્સાહની લહેર ફરી વળી છે.
ખિતાબ જાળવી રાખવા આર્જેન્ટિના કટિબદ્ધ
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિના ફૂટબોલ વિશ્વકપનું વર્તમાન ચેમ્પિયન છે. 2022 નો વિશ્વકપ તેણે ફ્રાન્સની ટીમને હરાવીને જીત્યો હતો, જેમાં મેસીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આર્જેન્ટિનાનું લક્ષ્ય આગામી 2026 વિશ્વ કપમાં તેમના ખિતાબનું રક્ષણ કરવાનું હોવાથી તેઓ એની તડામાર તૈયારીમાં પડ્યા છે, જેનો લાભ ભારતને પણ મળવા જઈ રહ્યો છે.