હાલ વનડેથી નિવૃત્ત નહીં થાય વિરાટ કોહલી અને રોહિત શર્મા! BCCIએ જ કર્યું કન્ફર્મ
Rajeev Shukla On Rohit Sharma Virat Kohli Farewell Match: BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, બંને હજુ પણ વનડે રમી રહ્યા છે, તો પછી ફેરવેલ મેચની વાત કેમ થઈ રહી છે. બંને ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં 38 વર્ષીય રોહિત અને 36 વર્ષીય વિરાટના ભવિષ્ય વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્ટાર જોડી 2027માં યોજાનાર વનડે કપ માટે ટીમ મેનેજમેન્ટની યોજનાઓમાં સામેલ નથી. એવી પણ અફવાઓ હતી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ બંને માટે ફેરવેલ પ્રવાસ હોઈ શકે છે.
અરે ચિંતા કેમ કરો છો
યુપી T20 લીગ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શુક્લાને પૂછવામાં આવ્યું હતું કે, શું રોહિત શર્મા અને વિરાટ કોહલીને સચિન તેંડુલકરના જેવી ફેરવેલ મળશે? જવાબમાં BCCIના ઉપાધ્યક્ષે કહ્યું કે, "તેઓ નિવૃત્ત જ ક્યાં થયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ચોક્કસપણે વનડે રમશે. જ્યારે તેઓ નિવૃત્ત જ નથી થયા તો તમે ફેરવેલની વાત અને ચિંતા કેમ કરી રહ્યા છો. તેમેણે બે ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે, જે એક ફેઝ છે. પરંતુ તેઓ હજુ પણ વનડે રમી રહ્યા છે. તેથી આટલી ચિંતા કરવાની જરૂર નથી. BCCIની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે કે અમે કોઈપણ ખેલાડીને નિવૃત્તિ થવા માટે નથી કહેતા. ખેલાડીએ પોતે નિર્ણય લેવો પડે છે. આમ હવે BCCIના ઉપાધ્યક્ષે એ સ્પષ્ટ કરી દીધું છે કે, બંને ખેલાડીઓ હાલ વનડે ક્રિકેટમાંથી નિવૃત નહીં થશે.
રોહિત-વિરાટ બંને ખૂબ સારું રમી રહ્યા છે
રાજીવ શુક્લાને ઈન્ટરવ્યુ દરમિયાન ચાહકો તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, જ્યારે પણ બંને ખેલાડીઓ વનડેમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લે, ત્યારે BCCIએ તેમને શાનદાર રીતે પ્રોપર ફેરવેલ આપવી જોઈએ. BCCIના ઉપાધ્યક્ષે કહ્યું કે, જ્યારે સ્ટાર જોડીની વિદાયનો સમય આવશે, ત્યારે જોઈશું. જ્યારે તે પુલ આવશે, ત્યારે કહીશું કે તેને કેવી રીતે ક્રોસ કરવાનો છે. તમે લોકો પહેલાથી જ ફેરવેલની વાત કરી રહ્યા છો. વિરાટ કોહલી ખૂબ જ ફિટ છે. તે સારું રમી રહ્યો છે. રોહિત શર્મા ખૂબ સારું રમી રહ્યો છે. અને તમે લોકો પહેલાથી જ વિદાયને લઈને ચિંતિત છો. તમને જણાવી દઈએ કે, બંનેએ માર્ચ 2025માં પોતાની છેલ્લી ODI મેચ રમી હતી, જે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ હતી. ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે મેચની સીરિઝ રમશે.