એશિયા કપ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં, વાઈસ કેપ્ટન ગિલ બીમાર પડ્યો, દુલીપ ટ્રોફીમાં નહીં રમે
Shubman Gill illness: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટર શુભમન ગિલ એશિયા કપ 2025 પહેલા બીમાર પડ્યો છે. બીમારીને કારણે તે આગામી દુલીપ ટ્રોફીમાં રમશે નહીં. દુલીપ ટ્રોફી 28મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર સુધી બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રમાશે. આ એક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. 25 વર્ષીય ગિલને નોર્થ ઝોનના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, વાઈસ કેપ્ટન અંકિમ કુમાર હવે નોર્થ ઝોનનું નેતૃત્વ કરશે. શુભમન ગિલ T20 ફોર્મેટમાં રમાનારી એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ છે.
શુભમન ગિલ ઘરે આરામ કરી રહ્યો છે
અહેવાલ અનુસાર, શુભમન ગિલ બીમાર હોવાથી દુલીપ ટ્રોફીમાં રમશે નહીં. ફિઝિયોએ તાજેતરમાં ગિલની તપાસ કરી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સ્વાસ્થ્ય સ્થિતિ રિપોર્ટ સુપરત કર્યો. હાલમાં શુભમન ગિલ ઘરે આરામ કરી રહ્યો છે. નોંધનીય છે કે, ગિલ કોઈપણ રીતે આખી દુલીપ ટ્રોફી રમી શક્યો ન હોત કારણ કે તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં જોડાવાનું હતું. તે ફક્ત શરૂઆતની મેચ માટે જ હાજર હોત. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે.
ભારતીય બેટર શુભમન ગિલ આ મહિનાની શરૂઆતમાં ઈગ્લેન્ડના ખૂબ જ સફળ પ્રવાસથી પાછો ફર્યો હતો. તેણે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચમાં 754 રન બનાવ્યા હતા, જે સીરિઝમાં સૌથી વધુ છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે ટેસ્ટ સીરિઝ 2-2 થી ડ્રો કરી હતી. ગિલે પહેલી વાર ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી.
નોર્થ ઝોનના પસંદગીકારોએ ગિલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો તેના સ્થાને અન્ય ખેલાડીની વ્યવસ્થા કરી હતી. ટીમની જાહેરાત સમયે શુભમ રોહિલાને બેકઅપ તરીકે રાખવામાં આવ્યો હતો. નોર્થ ઝોન 28મી ઓગસ્ટે દુલીપ ટ્રોફીની પહેલી મેચમાં ઈસ્ટ ઝોનનો સામનો કરશે. આ ઉપરાંત એશિયા કપ ટીમમાં સામેલ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પહેલી મેચ પછી નોર્થ ઝોન છોડી દેશે.