Sports

લિંડા નોસ્કોવા વિમ્બલડનની નવી ક્વિન, ફાઈનલમાં કેરોલિના મુચોવાને હરાવી બની ચેમ્પિયન

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
લંડનના સેન્ટર કોર્ટ પર રમાયેલી વિમ્બલ્ડન 2026 મહિલા સિંગલ્સ ફાઇનલમાં ચેક રિપબ્લિકની 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ઇતિહાસ રચ્યો છે. શનિવારે, 9મી ક્રમાંકિત નોસ્કોવાએ પોતાની જ દેશની કેરોલિના મુચોવાને 6-2, 5-7, 6-3 થી હરાવી કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. 2 કલાક 28 મિનિટ ચાલેલા આ રોમાંચક મુકાબલામાં નોસ્કોવાએ શાનદાર વાપસી કરી વિજય મેળવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

લિંડા નોસ્કોવા વિમ્બલડનની નવી ક્વિન, ફાઈનલમાં કેરોલિના મુચોવાને હરાવી બની ચેમ્પિયન

Wimbledon 2026 Women's Singles Champion : ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાએ શાનદાર પ્રદર્શન કરતા વિમ્બલ્ડન 2026 માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. લંડનના પ્રતિષ્ઠિત સેન્ટર કોર્ટ પર શનિવારે (11 જુલાઈ) રમાયેલી ફાઇનલમાં 9મી ક્રમાંકિત નોસ્કોવાએ પોતાની જ દેશની કેરોલિના મુચોવાને 6-2, 5-7,6-3 થી હરાવી હતી. 2 કલાક અને 28 મિનિટ સુધી ચાલેલા આ રોમાંચક મુકાબલામાં 21 વર્ષની નોસ્કોવાએ પોતાની કરિયરનું આ સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તે પહેલીવાર જ કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમી રહી હતી.

બીજા સેટમાં પરાજયની નજીક પહોંચ્યા બાદ નોસ્કોવાએ કરી શાનદાર વાપસી

લિન્ડા નોસ્કોવાએ મેચની શરૂઆત અત્યંત આક્રમક અંદાજમાં કરીને પહેલો સેટ 6-2થી સરળતાથી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ તે 5-2ની લીડ સાથે જીતની એકદમ નજીક હતી. જોકે, 10મી ક્રમાંકિત 29 વર્ષીય કેરોલિના મુચોવાએ અદ્ભુત પુનરાગમન કર્યું હતું અને સળંગ પાંચ ગેમ જીતીને બીજો સેટ 7-5થી પોતાના નામે કરી મેચને નિર્ણાયક સેટમાં ખેંચી ગઈ હતી. ત્રીજા અને અંતિમ સેટમાં નોસ્કોવાએ અદ્ભુત સંયમ અને આત્મવિશ્વાસ દાખવ્યો હતો. તેણે પ્રેશરને સરસ રીતે હેન્ડલ કરીને પોતાની શાનદાર સર્વિસ અને દમદાર ગ્રાઉન્ડસ્ટ્રોક્સના જોરે છેલ્લો સેટ 6-3થી જીતીને ટ્રોફી પર કબજો કર્યો હતો.

કેરોલિના મુચોવાનું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું ફરી અધૂરું રહ્યું

આ હાર સાથે જ કેરોલિના મુચોવાનું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. મુચોવા બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલાં તે ફ્રેન્ચ ઓપન 2023ની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને પોલેન્ડની ઇગા સ્વિઆતેક સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, લિન્ડા નોસ્કોવાની આ જીત એટલા માટે ખાસ છે કારણ કે તે છેલ્લા ચાર વર્ષમાં વિમ્બલ્ડનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી ચેક રિપબ્લિકની ત્રીજી ખેલાડી બની ગઈ છે, જે મહિલા ટેનિસમાં આ દેશનો દબદબો દર્શાવે છે.