For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ વિજય : કેનેડાને ૧૩-૧થી હરાવ્યું

- પ્રથમ મેચની હાર બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમનું ધમાકેદાર પુનરાગમન

- ભારત તરફથી સંજય અને અરાઈજીત સિંઘના ૩-૩ ગોલ

Updated: Nov 25th, 2021

Article Content Imageભુવનેશ્વર, તા.૨૫

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કેનેડા સામે ૧૩-૧થી ધમાકેદાર જીત હાંસલ કરતાં જુનિયર મેન્સ હોકી ચેમ્પિયનશિપમાં ખાતુ ખોલાવ્યું હતુ. ભારત તરફથી વાઈસ કેપ્ટન અને ડ્રેગ ફ્લિકર સંજય તેમજ અરાઈજીત સિંઘે ૩-૩ ગોલ નોંધાવ્યા હતા. ફ્રાન્સ સામેની પ્રથમ મેચમાં ૪-૫થી લડાયક હારનો સામનો કરનારા ભારતે આ જીતની સાથે ફરી વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. હવે તારીખ ૨૭મી નવેમ્બરને શનિવારે આખરી લીગ મેચમાં ભારતનો મુકાબલો પોલેન્ડ સામે થશે. ફ્રાન્સે ૭-૧થી પોલેન્ડને હરાવ્યું હતુ. જ્યારે પોલેન્ડ પ્રથમ મેચમાં કેનેડા સામે ૧-૦થી જીત્યું હતુ.

ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતે તેની બીજી ગૂ્રપ મેચમાં પ્રભુત્વસભર દેખાવ કર્યો હતો. ભારત તરફથી સંજયે ૧૭મી, ૩૨મી અને ૫૯મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલ ફેરવતા ટીમની સ્થિતિ મજબુત કરી હતી. જ્યારે અરાઈજીત સિંઘે ૪૦મી, ૫૦મી અને ૫૧મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઉત્તમ સિંઘ-શારદા નાથ તિવારીએ બે- બે તેમજ કેપ્ટન વિવેક સાગર પ્રસાદ, મનીન્દર સિંઘ અને અભિષેક લાકરાએ ૧-૧ ગોલ કર્યા હતા.

કેનેડા તરફથી એકમાત્ર ગોલ ૩૦મી મિનિટે ક્રિસ્ટોફર ટાર્ડિફે કર્યો હતો. ભારતે હાફ ટાઈમ સુધીમાં ૪-૧થી સરસાઈ મેળવી લીધી હતી. આખરી ક્વાર્ટરમાં ભારતે આક્રમક મિજાજ સાથે કેનેડાના ગોલ પોસ્ટ પર આક્રમણ કર્યા હતા અને વધુ છ ગોલ નોંધાવ્યા હતા.

સ્પેને અમેરિકાને ૧૭-૦થી હરાવતા વર્લ્ડ રેકોર્ડ

જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં એક જ દિવસે બે વખત સૌથી મોટા માર્જીનથી મેચ જીતવાનો રેકોર્ડ તુટી ગયો હતો. આર્જેન્ટીનાએ ૧૪-૦થી ઈજીપ્તને પરાજય આપ્યો હતો. જે જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કમપાં સૌથી મોટા અંતરનો વિજય હતો. આ અગાઉનો રેકોર્ડ ૧૯૮૨માં ભારતે ૧૩-૦થી સિગાપોરને હરાવીને નોંધાવ્યો હતો. આર્જેન્ટીનાએ આ રેકોર્ડ તોડયો તેના ગણતરીના કલાકોમાં જ સ્પેને ૧૭-૦થી અમેરિકાને હરાવીને નવો કીર્તિમાન પોતાના નામે નોંધાવી લીધો હતો. નેધરલેન્ડે પણ હાઈ સ્કોરિંગ મેચમાં ૧૨-૫થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.

Gujarat