આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
India vs England Test Series: ભારતીય ટીમ જૂનમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. ત્યારે હવે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું વાઈસ કેપ્ટનના પદ પરથી પત્તું કપાઈ શકે છે. આ મેચ 2025/27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની શરૂઆત કરશે. ઓસ્ટ્રેલિયા સામેની ભારતની પાછલી ટેસ્ટ સીરિઝમાં બુમરાહને રોહિત શર્માના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને પર્થમાં શરૂઆતની મેચમાં ટીમને પ્રવાસની એકમાત્ર જીત અપાવી હતી. રોહિતે પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાને બહાર કર્યા બાદ તેણે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું.
ભારત-ઈંગ્લેન્ડ સીરિઝનું શેડ્યૂલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 20 જૂને લીડ્સમાં શરૂ થશે, જ્યારે સીરિઝની બીજી ટેસ્ટ 2-6 જુલાઈ દરમિયાન રમાશે. બીજી તરફ ત્રીજી ટેસ્ટ મેચ 10-14 જુલાઈ દરમિયાન લંડનના ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે અને સીરિઝની અંતિમ મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે.
BCCIનો સ્પેશિયલ પ્લાન
એક અહેવાલ પ્રમાણે વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારત દ્વારા રમાયેલી બધી મેચો રમે તેવી શક્યતા ઓછી છે. તેથી અજિત અગરકરની અધ્યક્ષતા વાળી સિલેક્શન સમિતિ એક એવો વાઈસ કેપ્ટન ઈચ્છે છે જે સમગ્ર પ્રવાસ દરમિયાન રમે. BCCIના સૂત્રોએ જણાવ્યું કે, 'અમે એક એવો ખેલાડી ઈચ્છીએ છીએ જે પાંચેય ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ હોય અને તેને વાઈસ કેપ્ટનની ભૂમિકા સોંપવી જોઈએ. બુમરાહ પાંચેય મેચ નહીં રમે, તેથી અમે અલગ અલગ મેચ માટે અલગ અલગ વાઈસ કેપ્ટનની નિમણૂક કરવા નથી માગતા. કેપ્ટન અને વાઈસ કેપ્ટન ફિક્સ હોય અને પાંચેય ટેસ્ટ રમે તો તે વધુ સારું રહેશે.'
આ પણ વાંચો: તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી
ગિલ-પંત પર બોર્ડની નજર
રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે, સિલેક્ટર્સ રોહિતના ઉત્તરાધિકારને ધ્યાનમાં રાખીને 'યુવાન ચહેરો' શોધી રહ્યા છે. તેથી તેઓ એક એવો વાઈસ કેપ્ટન ઈચ્છે છે જેને ભારતના ભાવિ ટેસ્ટ કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય. શુભમન ગિલ અને ઋષભ પંત આ ભૂમિકા માટે યોગ્ય છે. 25 વર્ષીય બેટ્સમેન ગિલ તાજેતરમાં ભારતના વિજયી ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન દરમિયાન ODI ફોર્મેટમાં આ જ ભૂમિકામાં જોવા મળ્યો હતો. બીજી તરફ પંતે 2022માં દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
ઈજા બની ચિંતાનો વિષય
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, બોર્ડ બુમરાહની ઈજા સાથેના સંઘર્ષ અંગે ચિંતિત છે. જમણા હાથનો આ ફાસ્ટ બોલર તાજેતરમાં પીઠની ઈજામાંથી સ્વસ્થ થયો છે, જેના કારણે તે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી એપ્રિલ સુધી મેદાનની બહાર હતો. તેણે પોતાની રિકવરીના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની સાથે-સાથે IPL 2025નો પહેલો ભાગ પણ મિસ કરી દીધો હતો.
11 મહિના સુધી મેદાનની બહાર રહ્યો
પીઠની ઈજાએ 2022માં બુમરાહને પરેશાન કર્યો હતો, જ્યારે તે લગભગ 11 મહિના સુધી મેદાનની બહાર રહ્યો હતો. આ કારણે તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં રમી નહોતો શક્યો. પાંચ મેચની ઈંગ્લેન્ડ સીરિઝ 20 જૂનથી શરૂ થશે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સ કોને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપશે છે તે જોવું રસપ્રદ રહેશે.