Sports

GT vs RR : રાજસ્થાનને હરાવી IPL-2026ની ફાઈનલમાં પહોંચ્યું ગુજરાત, ગિલ-સુદર્શનની વિસ્ફોટક બેટિંગ

By GS Team
29 May 20264 mins read
TukuTouch Logo
આઈપીએલની ફાઈનલમાં પ્રવેશવા માટે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2નો મહામુકાબલો શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના કેપ્ટન પરાગ રિયાને ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો છે, એટલે કે ગુજરાતની ટીમ પહેલા બોલિંગ કરશે. આ મેચ પંજાબના ન્યૂ ચંદીગઢના મુલ્લનપુરના મેદાનમાં રમાઈ રહી છે. આજની મેચ લાઈવ જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે, કારણ કે આ મેચ જીતનારી ટીમ સીધી ફાઈનલની ટિકિટ મેળવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

GT vs RR : રાજસ્થાનને હરાવી IPL-2026ની ફાઈનલમાં પહોંચ્યું ગુજરાત, ગિલ-સુદર્શનની વિસ્ફોટક બેટિંગ

IPL-2026 Gujarat Titans vs Rajasthan Royals Qualifier 2 Match LIVE Score : આઈપીએલ-2026ના ક્વોલિફાયર-2 મુકાબલોમાં ગુજરાત ટાઈટન્સની ટીમે રાજસ્થાન રૉયલ્સને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઓપનર સાઈ સુદર્શનની ફિફ્ટી અને શુભમન ગિલની વિસ્ફોટક સદીની મદદથી ગુજરાતે 215 રનના પડકારને સરળતાથી પાર કરી લીધો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 214 રન નોંધાવ્યા હતા, તો ગુજરાતે માત્ર 18.4 ઓવરમાં 3 વિકેટે 219 રન નોંધાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે 31 મે, રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચેમ્પિયન બનવા મહામુકાબલો રમાશે.

શુભમન ગિલની સદી, વૈભવ સૂર્યવંશી સદી ચુક્યો

આ હાઈવોલ્ટેજ મેચમાં સૌથી મહત્વના ખેલાડી તરીકે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશી ઉભરી આવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 47 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારીને 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જોકે તે કાગીસો રબાડાની ઓવરમાં આઉટ થતા સદી ચૂક્યો હતો.

વૈભવે 1000 રન પૂરા કર્યા

આ મેચ દરમિયાન વૈભવે પોતાની આઈપીએલ કેરિયરમાં 1000 રન પણ પૂરા કર્યા છે, જેમાં તેણે 2025માં 7 મેચમાં 250 રન (1 સદી, 1 ફિફ્ટી) અને 2026માં 23 મેચમાં 751 રન (1 સેન્ચ્યુરી, 5 ફિફ્ટી) સાથે કુલ 1003 રન નોંધાવ્યા છે. બીજી તરફ, ગુજરાતના સુકાની શુભમન ગિલે મોરચેથી આગેવાની કરતા માત્ર 30 બોલમાં ફિફ્ટી અને 48 બોલમાં સદી ફટકારી હતી. ગિલ જોફ્રા આર્ચરની બોલિંગમાં આઉટ થતા પહેલા 53 બોલમાં 3 સિક્સ અને 15 ફોરની મદદથી 104 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઈનિંગ રમી ગયો હતો.

છેલ્લી ઓવરોમાં ફેરેઇરાનો વિસ્ફોટ બેટિંગ એડે ગઈ

રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 2 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ માત્ર 9 રનના સ્કોર પર બીજી વિકેટ પડી હતી, જેમાં ધ્રુવ જુરેલ 6 બોલમાં 7 રન બનાવી કાગીસો રબાડાની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. પાવર પ્લેમાં ટીમે 5 ઓવરમાં 54/2 અને બાદમાં 70 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 36 રને રમી રહ્યો હતો ત્યારે કોણીની સમસ્યાના કારણે પોતાની શર્ટની બાય ચઢાવતો મેદાનની બહાર રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના ગયા બાદ આવેલા કેપ્ટન રિયાન પરાગ માત્ર 11 રન બનાવી જેસન હોલ્ડરની બોલિંગમાં કાગીસો રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો. દાસુન શનાકા પણ 9 બોલમાં 3 રન કરીને હોલ્ડરની બોલિંગમાં વિકેટ કીપર જોશ બટલરને કેચ આપી સસ્તામાં આઉટ થયો હતો. જોફ્રા આર્ચર પણ 7 રને પ્રસિદ્ધ ક્રિષ્ણાની ઓવરમાં જોશ બટલરના હાથે કેચ આઉટ થતાં પાંચમી વિકેટ પડી હતી. અંતમાં 8માં ક્રમે આવેલા ડોનોવન ફેરેઇરાએ છેલ્લી 3 ઓવરોમાં વિસ્ફોટ મચાવતા માત્ર 11 બોલમાં 4 સિક્સ અને 2 ફોર સાથે અણનમ 38 રન ઝૂડીને ટીમનો સ્કોર 214/6 સુધી પહોંચાડ્યો હતો.

ગુજરાતના ઓપનર્સની તોફાની ભાગીદારી

215 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ગુજરાતના ઓપનર્સ સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે મેદાનમાં આવીને તોફાની બેટિંગ શરૂ કરી હતી અને 10 ઓવરમાં ટીમનો સ્કોર 127 રન પર લઈ ગયા હતા. સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા 32 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 58 રન ફટકાર્યા હતા, જોકે તે બ્રિજેશ શર્માની ઓવરમાં હિટવિકેટ આઉટ થયો હતો. શુભમન ગિલની 104 રનની સદી બાદ વોશિંગ્ટન સુંદર 9 બોલમાં 1 સિક્સ અને 2 ફોરની મદદથી 16 રન બનાવી નાન્દ્રે બર્ગરની ઓવરમાં ડોનોવન ફેરેઇરાના હાથે કેચ આઉટ થયો હતો. ગુજરાતના બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં જેસન હોલ્ડરે કેપ્ટન પરાગ અને શનાકાની કિંમતી વિકેટો લીધી હતી. કાગીસો રબાડાએ સેટ બેટર વૈભવ સૂર્યવંશી (96) અને ધ્રુવ જુરેલને આઉટ કર્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજે જયસ્વાલને સસ્તામાં પેવેલિયન ભેગો કર્યો હતો. માનવ સુથાર અને ગુરનૂર સિંધુએ પણ બોલિંગ લાઈન-અપમાં પોતાનો સાથ આપ્યો હતો. આ શાનદાર દેખાવના કારણે ગુજરાતે મેચ પોતાના નામે કરી લીધી હતી.

હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઈનલ મુકાબલો

ક્વોલિફાયર-2ના આ મહામેચમાં રાજસ્થાન રોયલ્સને ધૂળ ચટાવ્યા બાદ હવે ગુજરાત ટાઈટન્સની ટીમ સીધી ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈપીએલ 2026ની ટ્રોફી જીતવા માટેનો આ મહા મુકાબલો હવે 31 મે, રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાશે. એલિમિનેટરમાં હૈદરાબાદને 47 રનથી હરાવીને આગળ વધેલી રાજસ્થાનની સફર અહીં સમાપ્ત થઈ છે, અને હવે રવિવારે ગુજરાત અને બેંગલુરુ વચ્ચે ખરાખરીનો ફાઈનલ જંગ જામશે.