દિલ્હી કેપિટલ્સનું દુર્ભાગ્ય તો જુઓ, IPLના ઇતિહાસની બની પહેલી ટીમ જેણે બનાવ્યો અણગમતો રેકોર્ડ
MI Vs DC IPL 2025: મુંબઈ ઇન્ડિયન્સ સામે ગઈકાલે બુધવારે 59 રનની હાર સાથે દિલ્હી કેપિટલ્સ પહેલી એવી ટીમ બની છે, જે આઇપીએલમાં શરુઆતની ચાર મેચ જીતી હોવા છતાં પ્લેઑફમાં પહોંચી શકી નથી. ગઈકાલે મુંબઈ વિરુદ્ધ દિલ્હીની મેચ એક પ્રકારની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ હતી. જેમાં મુંબઈ ઇન્ડિયન્સે જીત હાંસલ કરી પ્લેઑફમાં એન્ટ્રી લીધી છે. પરંતુ આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત સળંગ ચાર મેચ જીત્યા બાદ પણ દિલ્હી કેપિટલ્સ પ્લેઑફમાંથી બહાર થઈ ગઈ છે.
અક્ષર પટેલની ગેરહાજરી નડી
બિમાર અક્ષર પટેલની ગેરહાજરીમાં ફાક ડુ પ્લેસિસે દિલ્હી કેપિટલ્સની કૅપ્ટનશીપ કરી હતી. તેણે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, દિલ્હી કેપિટલ્સ આખી ટીમ 19મી ઓવરમાં જ 121 રને ઓલઆઉટ થઈ હતી. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 16 પોઇન્ટ સાથે ટોપ-4માં સામેલ થઈ છે. ગુજરાત ટાઇટન્સ, આરસીબી અને પંજાબ કિંગ્સ પહેલાથી જ પ્લેઑફમાં પહોંચી ચૂકી છે.
મારી કૅપ્ટનશીપમાં આવું જ થશેઃ બાપુ
બાપુ તરીકે ઓળખાતા અક્ષર પટેલે આઇપીએલ-2025ની શરુઆતની મેચ જીત્યા બાદ નિવેદન આપ્યું હતું કે, મારી કૅપ્ટનશીપમાં આવું જ બનશે, હવે તમે ટેવ પાડી દો. અને એવુ જ થયું. સળંગ ચાર મેચમાં DC વિજયી રહી. LSGને 1 વિકેટે, SRHને સાત વિકેટે હરાવી હતી. ત્યારબાદ CSK અને RCBને હરાવી હતી. ત્યારે DC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર હતી. સળંગ ચાર મેચમાં વિજયી બન્યા બાદ દિલ્હી કેપિટલ્સે પાંચમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કર્યા બાદ પડતી શરુ થઈ હતી. બાદમાં તે એક જ RCB સામે મેચ જીતી શકી હતી.
દિલ્હી કેપિટલ્સ હવે પંજાબ કિંગ્સ સામે રમશે
દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2025ની સિઝનમાં હવે એક છેલ્લી મેચ રમશે. જેમાં 24 મેના રોજ તે પંજાબ કિંગ્સ સામે મેચ રમશે. દિલ્હી કેપિટલ્સે અત્યારસુધી 13માંથી છ મેચમાં જીત મેળવી છે. 13 પોઇન્ટ સાથે તે પોઇન્ટસ ટેબલમાં પાંચમા ક્રમે છે.