ચાલુ મેચમાં તુ તુ મેં મેં બાદ BCCIની કાર્યવાહી: રાઠી એક મેચ માટે સસ્પેન્ડ, અભિષેક શર્માને દંડ
Digvesh vs Abhishek: લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીની ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર અભિષેક શર્મા સાથે તુ તુ મેં મેં થયા બાદ BCCIએ બંનેને સજા ફટકારી છે. જેમાં રાઠીને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે, તેમજ ટીમની છેલ્લી લીગની મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મેચ ફીના 50 ટકા દંડ પણ ફટકાર્યો છે. બીજી બાજુ અભિષેક શર્મા પર મેચ ફીના 25 ટકા દંડ લાદ્યો છે.
આઈપીએલ આયોજકોએ ખાતરી કરી છે કે, રાઠીએ આ સીઝનમાં ત્રીજી વખત લેવલ 1નો ગુનો કર્યો છે. જેના કારણે તેને પાંચ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે. વધુમાં એક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. આ સીઝનમાં આર્ટિકલ 2.5 હેઠળ લેવલ-1ના ગુના હેઠળ ડિમેરિટ પોઈન્ટ મળે છે. રાઠીએ ત્રીજી વખત લેવલ-1નો ગુનો કરતાં તેને બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા છે, અગાઉ પણ તેને ત્રણ ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતાં. આથી પાંચ ડિમેરિટ પોઈન્ટના કારણે તેને એક મેચ માટે સસ્પેન્શન મળ્યું છે. દિગ્વેશ રાઠી હવે LSGની આગામી મેચનો હિસ્સો નહીં બને. આચાર સંહિતાના લેવલ-1 ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.
આ પણ વાંચોઃ અમે જેવુ રમ્યા તેના પર ગર્વ છે...: શરમજનક પરાજય બાદ રિષભ પંતની બહાનાબાજી
દિગ્વેશ રાઠીનું ખરાબ વર્તન
દિગ્વેશ રાઠીને અગાઉ 1 એપ્રિલ, 2025ના રોજ પંજાબ કિંગ્સ વિરૂદ્ધ એક ડિમેરિટ પોઈન્ટ અને 4 એપ્રિલ, 2025ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતાં. ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન દિગ્વેશે જ્યારે અભિષેક શર્માને આઉટ કર્યો તો, તેણે નોટબુક સેલિબ્રેશન શરૂ કર્યું હતું. તેમજ હાથથી ઈશારો કરી અભિષેકને પેવેલિયન જવા કહ્યું હતું. દિગ્વેશના આ વલણથી અભિષેક ગુસ્સે થયો હતો અને તેની દિગ્વેશ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી વધતાં એમ્પાયરે બંનેને અલગ પાડ્યા હતાં.