અમે જેવુ રમ્યા તેના પર ગર્વ છે...: શરમજનક પરાજય બાદ રિષભ પંતની બહાનાબાજી
Rishabh Pant: IPL 2025ની મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે લખનઉ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું. હવે આ શરમજનક હાર બાદ કેપ્ટન રિષભ પંતે બહાનાબાજી કરવાનું શરુ કર્યું હતું. આ હાર બાબતે પંતે કહ્યું કે, ઈજાના કારણે અમારે જગ્યા ભરવા બીજા ખેલાડીઓને લેવા પડ્યા હતા. આ ઉપરાંત બોલિંગ પણ જવાબદાર છે.'
હાર બાદ રિષભ પંતે શું કહ્યું?
ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ રિષભ પંતે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. લખનઉની હાર બાદ પંતે કહ્યું, 'આ ચોક્કસપણે અમારી બેસ્ટ સિઝનમાંની એક બની રહી હોત, પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ અમારી પાસે ઘણી ખામીઓ હતી, ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા તેની જગ્યા ભરવી મુશ્કેલ બની અને એક ટીમ તરીકે અમે તેના વિશે વાત ન કરવાનું નક્કી કર્યું, પરંતુ અમારા માટે તે ખાલી જગ્યાઓ ભરવાનું મુશ્કેલ બન્યું.'
બોલિંગ બાબતે પંતે વાત કરતા કહ્યું કે, 'અમે જે રીતે હરાજીની યોજના બનાવી હતી, જો અમારી બોલિંગ એવી હોત તો... પરંતુ આ ક્રિકેટ છે, ક્યારેક વસ્તુઓ તમારા મતે થાય છે અને ક્યારેક નહીં, અમે જે રીતે રમ્યા તેના પર અમને ગર્વ છે અને અમે સિઝનના નકારાત્મક પાસાઓ કરતાં સકારાત્મક પાસાઓ લઈએ છીએ.'
લખનઉની શરમજનક હાર
પ્રથમ બેટિંગ કરીને LSG એ 7 વિકેટે 205 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો પરંતુ SRH એ 18.2 ઓવરમાં ચાર વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધું. આ મેદાન પર આ પહેલી વાર છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ 200 થી વધુ રન બનાવીને જીતી ગઈ. અભિષેકે ઇનિંગ્સની શરૂઆતમાં ચાર ફોર અને છ સિક્સર ફટકાર્યા કારણ કે ટાર્ગેટનો પીછો કરતી વખતે SRH ક્યારેય દબાણમાં આવ્યું ન હતું. તેણે રવિ બિશ્નોઈ સામે સતત ચાર ફોર ફટકારીને 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.