ભારતીય ખેલાડીઓના બૉયકોટથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ, હવે આ લીગમાં ક્યારેય નહીં રમે મેચ
Pakistan Cricket Board : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ડબલ્યુસીએલ) માં ભાગ લેવા પર ટીમને સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી રહી છે.પાકિસ્તાન ક્રિકેટના સંચાલક મંડળ મુજબ ઈન્ડિયા લિજેન્ડ્સે પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચમાંથી હટી જવાના નિર્ણય લીધા પછી ડબ્લ્યુસીએલના નિવેદનો અને કાર્યોમાં સ્પષ્ટ રીતે પક્ષપાત જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: એબી ડીવિલિયર્સના તોફાનમાં ફંટાયું પાકિસ્તાન, WCL ફાઈનલમાં દ.આફ્રિકા 9 વિકેટે ચેમ્પિયન
ભારતીય ખેલાડીઓએ બૉયકોટ કરતાં પાકિસ્તાન ધૂંઆપૂંઆ
પીસીબીએ જણાવ્યું હતું કે, મોહસીન નકવીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી 79મી બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG) ની બેઠક દરમિયાન ડબ્લ્યુસીએલના વર્તન પર ગંભીર નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી. જાણી જોઈને ઇરાદાપૂર્વક મેચને પાછી ખેંચી લેનારી ટીમને આપવામાં આવેલા મુદ્દાઓ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની લેજેન્ડ્સ મેચ રદ કરવા અંગેની પ્રેસ રિલીઝ બંને પક્ષપાત અને દંભથી ભરેલી હતી.
પીસીબીએ કહ્યું હતું કે, 'જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં 'રમત દ્વારા શાંતિ' વિશે જે રીતે વાત કરવામાં આવી છે, તેમાં બેવડાપણું જોવા મળે છે. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે, રમતગમતની ઘટનાઓ રાજકીય સ્વાર્થ અને મર્યાદિત વ્યાપારી હિતોને આધીન રહી છે.'
હવે ક્યારેય આ લીગમાં નહીં રમે મેચ
નિવેદનમાં આગળ કહ્યું કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને જે બાહ્ય દબાણોથી સ્પષ્ટ અને અસહ્ય પ્રભાવ તથા રમતની નિષ્પક્ષતાના સિદ્ધાંતોની અવગણનાને ઉજાગર કરે છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. PCB હવે એવી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી શકે નહીં, જ્યાં બાહ્ય હસ્તક્ષેપને કારણે નિષ્પક્ષ રમત અને સ્વતંત્ર સંચાલન જેવા મૂળભૂત સિદ્ધાંતો સાથે ચેડા થાય છે.'
આ પણ વાંચો: અમે પણ કચડી નાખ્યા હોત પરંતુ...' WCLમાં પાક.ના શરમજનક પરાજય પર સુરેશ રૈનાનો કટાક્ષ
ભારતીય ટીમે મેચમાંથી હટી જવાનો નિર્ણય કર્યો
શિખર ધવન સહિત ઘણા ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટના લીગ તબક્કામાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. એ પછી બંને ટીમો સેમિફાઇનલમાં ફરીથી એકબીજાનો સામનો કરવાના હતા, પરંતુ ભારતીય ટીમે મેચમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.