અમે પણ કચડી નાખ્યા હોત પરંતુ...' WCLમાં પાક.ના શરમજનક પરાજય પર સુરેશ રૈનાનો કટાક્ષ
WCL 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL 2025ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને સરજીલ ખાનની અડધી સદીના દમ પર 195 રન બનાવ્યા હતા. આ સ્કોરને દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 9 વિકેટ રહેતા સરળતાથી ચેઝ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની આ જીતનો હીરો એબી ડીવિલિયર્સ રહ્યો હતો, જેણે સિઝનની ત્રીજી સદી ફટકારીને 120 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાનની આ શરમજનક હાર બાદ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રેનાનું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની મેચ બાદ સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એબી ડીવિલિયર્સની શાનદાર સદીના ખૂબ વખાણ કર્યા અને બીજી તરફ પાકિસ્તાન પર કટાક્ષ કરતા લખ્યું કે, જો ભારત ત્યાં હોત તો ભારતે પણ પાકિસ્તાનને આવી જ રીતે કચડી નાખ્યું હોત.
તમને જણાવી દઈએ કે, WCLની સેમિફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની હતી પરંતુ ભારતીય ખેલાડીઓ દ્વારા આ મેચનો બહિષ્કાર કરવાના કારણે મેચ રદ કરી દેવામાં આવી અને પાકિસ્તાનને ફાઈનલની ટિકિટ મળી ગઈ.
સુરેશ રૈનાનો કટાક્ષ
સુરેશ રૈનાએ X પર લખ્યું કે, એબી ડીવિલિયર્સે ફાઈનલમાં કમાલની ઈનિંગ રમીને ધમાલ મચાવી દીધી. જો અમે રમ્યા હોત તો અમે પણ પાકિસ્તાનને આવી જ રીતે કચડી નાખ્યું હોત પરંતુ અમે પોતાના દેશને સૌથી ઉપર રાખ્યો. EaseMyTrip અને નિશાંતપિટ્ટીનું સન્માન. તેમણે દ્રઢતાથી ઉભા રહીને તેમની સાથે સંબંધિત કોઈ પણ મેચનું સમર્થન ન કર્યું. આજ અસલી ચરિત્ર છે.
આ પણ વાંચો: એબી ડીવિલિયર્સના તોફાનમાં ફંટાયું પાકિસ્તાન, WCL ફાઈનલમાં દ.આફ્રિકા 9 વિકેટે ચેમ્પિયન
ભારતનો પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર
તમને જણાવી દઈએ કે, પહલગામ આતંકવાદી હુમલાના કારણે ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાનની સામે રમવાનો ઈનકાર કરી દીધો હતો. ભારત અને પાકિસ્તાનની પહેલી ટક્કર લીગ સ્ટેજમાં થવાની હતી પરંતુ ભારતીય ખેલાડીઓ દ્વારા આ મેચનો બહિષ્કાર કર્યા બાદ મેચ અધિકારીઓએ આ મેચ રદ કરી દીધી અને બંને ટીમો વચ્ચે એક એક પોઈન્ટ વહેંચી દીધા હતા. જ્યારે સેમિફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ પહોંચી તો ત્યારે પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાનું સ્ટેન્ડ ન બદલ્યું. ભારત પાકિસ્તાન સામે સેમિફાઈનલ મેચ ન રમ્યું અને ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. તમને જણાવી દઈએ કે ભારત WCLની પ્રથમ સીઝનની ચેમ્પિયન છે.