એબી ડીવિલિયર્સના તોફાનમાં ફંટાયું પાકિસ્તાન, WCL ફાઈનલમાં દ.આફ્રિકા 9 વિકેટે ચેમ્પિયન
WCL 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 (WCL 2025)ના ફાઈનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ અને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સની ટીમો આમને-સામને હતી. જ્યાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મોહમ્મદ હાફીઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં એબી ડીવિલિયર્સની દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમે મેચ 9 વિકેટથી જીતીને WCL ચેમ્પિયન બન્યું છે.
શરજીલ ખાને 76 રનની શાનદાર ઈંનિંગ રમી હતી
ટોસ જીત્યા બાદ પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરવા આવ્યું હતું. ઓપનર શરજીલ ખાને 76 રનની શાનદાર ઈંનિંગ રમી હતી. જોકે કામરાન અકમલ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. કેપ્ટન મોહમ્મદ હાફિઝે 17 રન બનાવ્યા, જ્યારે શોએબ મલિકે માત્ર 20 રન બનાવ્યા. અંતે ઉમર અમીને 36 રન બનાવ્યા જ્યારે આસિફ અલીએ 28 રન બનાવ્યા. જેના કારણે પાકિસ્તાનની ટીમ 195 રન સુધી પહોંચી શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હાર્ડસ વિલ્જોએન અને વેન પાર્નેલે 2-2 વિકેટ લીધી. ડુઆન ઓલિવિયરે પણ 1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IND vs ENG : જાડેજાની વધુ એક કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઇતિહાસ
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ પહેલીવાર ચેમ્પિયન બની
લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલાએ 18 રન બનાવ્યા હતા. તેના સાથી બેટર એબી ડીવિલિયર્સે 60 બોલમાં 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા જે.પી. ડુમિનીએ 28 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ તેમજ ટુર્નામેન્ટ જીતી લીધી. પાકિસ્તાનની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હારી ગઈ છે. આફ્રિકાની ટીમ પહેલીવાર ચેમ્પિયન બની છે.