Sports

અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ... ભારતને આ 5 ભૂલો ભારે પડી, ગુમાવી સુપર-8ની પ્રથમ મેચ

By GS Team
22 Feb 20266 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 76 રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-8માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે. આ પરાજય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ... ભારતને આ 5 ભૂલો ભારે પડી, ગુમાવી સુપર-8ની પ્રથમ મેચ

ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 76 રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-8માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે. આ પરાજય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ રહ્યા છે.

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતને આ પાંચ ભૂલો ભારે પડી

1... દક્ષિણ આફ્રિકાના બેટરો પર બોલરો દબાણ લાવવામાં નિષ્ફળ

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર 20 રનના સ્કોર પર તેમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જોકે, ભારતીય બોલરો આ દબાણ જાળવી શક્યા નહીં અને ડેવિડ મિલર તથા ડેવાલ્ડ બ્રેવિસે 97 રનની ભાગીદારી કરીને બધું દબાણ હટાવી દીધું હતું.


2... સ્પિનરોનો ફ્લોપ શો

અમદાવાદની પિચ પર ભારતીય સ્પિનરો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 47 રન આપ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 2 ઓવરમાં 17 રન ખર્ચ્યા હતા. 


3... હાર્દિકની છેલ્લી ઓવર મોંઘી પડી

હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 20 રન આપ્યા હતા, જેના કારણે 175 રન સુધી રોકાઈ શકે તેવી ટીમનો સ્કોર 187 રન સુધી પહોંચી ગયો હતો.


4... અભિષેક ફરી ફેલ, ઓપનિંગ જોડી ફરી નિષ્ફળ

બેટિંગમાં પણ ભારતની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના અને તિલક વર્મા પણ સસ્તામાં આઉટ થયો હતો. યુવા બેટર અભિષેક શર્મા પાસે મોટી આશા હતી, પરંતુ તે પણ માત્ર 15 રન બનાવી શક્યો હતો. પિચની સ્થિતિ સમજવાને બદલે ભારતીય બેટ્સમેનો પ્રથમ બોલથી જ મોટા શોટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠા હતા.


5... ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ

આ મેચમાં અનુભવી અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને રમાડવાનો નિર્ણય ખોટો સાબિત થયો છે. સુંદર બેટિંગ અને બોલિંગ બંનેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. અક્ષર પટેલ જે રીતે ત્રણેય ક્ષેત્રમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) પ્રભાવિત કરે છે, તેની ખોટ આ મેચમાં સ્પષ્ટપણે વર્તાઈ હતી.


2024ની ફાઈનલ મેચ જીતાડનાર અક્ષર પટેલને ન લેવો ભારે પડ્યો

આજની ભારતની ટીમમાં અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં સુકાની એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રયાન રિકેલટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગિડીનો સમાવેશ કરાયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, ભારતીય ટીમની આજની મેચમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો ન હતો. અક્ષર પટેલે ટી20 વર્લ્ડકપ-2024માં ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. આ મેચ દક્ષિણ આફ્રિકા સામે જ રમાઈ હતી, જેમાં કોહલીએ તે મેચમાં 59 બોલમાં 76 તેમજ અક્ષરે 31 બોલમાં 47 રન નોંધાવ્યા હતા.


ભારતે સુપર-8ની ત્રણ મેચમાંથી એક મેચ ગુમાવી

ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચમાં આજે ભારતની દક્ષિણ આફ્રિકા સામે 76 રને પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં તેણે 20 ઓવરમાં સાત વિકેટે 187 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગના કારણે ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 મેચોની ત્રણ મેચમાંથી એક મેચ જીતી લીધી છે, જ્યારે ભારત ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. જે ટીમ બે મેચ જીતશે તે સેમિફાઈનલમાં પહોંચી શકશે.


સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરની ફિફ્ટી

સાઉથ આફ્રિકાના સ્કોરની વાત કરીએ તો, ઓપનિંગમાં આવેલા એડન માર્કરામ ચાર રને, ક્વિન્ટન ડી કોક 6 રને અને રયાન રિકેલટન માત્ર સાત રને આઉટ થયા હતા, ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગઈ હતી. બ્રેવિસે 29 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 45 રન, મિલરે 35 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 63 રન, જ્યારે સ્ટબ્સે 24 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 44 રન નોંધાવ્યા હતા. જ્યારે માર્કો જાનસેને બે રન, કોર્બિન બોશે પાંચ રન અને કાગીસો રબાડાએ અણનમ શૂન્ય રન નોંધાવ્યા હતા.


ભારત તરફથી જસપ્રીત બુમરાહની ત્રણ વિકેટ

ભારત તરફથી સૌથી વધુ જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે બે વિકેટ, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ ખેરવી હતી. સૌથી વધુ દુબેએ બે ઓવરમાં 32 રન આપ્યા હતા, તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 45 રન આપ્યા હતા.

ટીમ ઈન્ડિયાના બેટરોનું નબળું પ્રદર્શન

આજની મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ-3 બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા બાદ વિકેટ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ટોપ-3 બેટરોમાં ઈશાન કિશન શૂન્ય રને, અભિષેક શર્મા 15 રને તો તિલક વર્મા માત્ર એક રને આઉટ થયો હતો. ત્યારબાદ સુકાની સૂર્યકુમાર યાદવ 18 રને, વોશિંગ્ટન સુંદર 11 રને, શિવમ દુબે 42 રને, હાર્દિ પંડ્યા 18 રને, રિંકુ સિંઘ 0 રને, અર્શદિપ સિંહ 1, વરૂણ ચક્રવર્તી અણનમ શૂન્ય અને જસપ્રિત બુમરાહ શૂન્ય રને આઉટ થયો હતો.

આ પણ વાંચો : IND vs SA : ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય, સુપર-8ની 3 મેચોમાંથી ગુમાવી 1 મેચ

માર્કો જાનસેનની ચાર વિકેટ

દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે એક ઓવરમાં પાંચ રન આપીને એક વિકેટ ઝડપી છે. જ્યારે માર્કો જાનસેને 3.5 ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ, કેશવ મહારાજે ત્રણ ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ અને કોર્બિન બોશે ત્રણ ઓવરમાં 12 રન આપીને બે વિકેટ ઝડપી છે. જ્યારે કાગિસો રબાડા ચાર ઓવરમાં 32 રન અને લુન્ગી એન્ગિડીએ 4 ઓવરમાં 15 રન આપીને એકપણ વિકેટ ઝડપી નથી.

ભારત-દક્ષિણ આફ્રિકાનો T20 મેચોનો રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ટી-20 આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. બંને ટીમો આજની મેચ સહિત અત્યાર સુધી કુલ 35 ટી-20 મેચોમાં આમને-સામને આવી છે, જેમાંથી ભારત 21 મેચમાં વિજયી બન્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 14 મેચ જીતી શક્યું છે. ભારતમાં રમાયેલી આજની મેચ સહિત કુલ 16 મેચોમાં ભારત 8 અને આફ્રિકા 8 મેચ જીત્યું છે, જ્યારે આફ્રિકાની ધરતી પર રમાયેલી 13 મેચોમાંથી ભારતે 9માં જીત મેળવી વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તટસ્થ સ્થળો પર રમાયેલી 6 મેચોમાં પણ ભારતે 4 માં વિજય મેળવ્યો છે. 

આ પણ વાંચો : તિલક વર્માની નિષ્ફળતા: દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક ગુમાવી

અમદાવાદમાં ભારત 10માંથી 7 ટી-20 જીત્યું, 3 હાર્યું

ભારતીય ટીમ અમદાવાદના મેદાનમાં આજની મેચ સહિત કુલ 10 ટી-20 રમ્યું છે, જેમાંથી સાતમાં વિજેતા બન્યું છે. જ્યારે ત્રણ મેચમાં હાર્યું છે. આજની મેચ પહેલા ભારતનો આ મેદાન પર 16મી માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકા આ મેદાન પર આજની મેચ સહિત પાંચ મેચ રમ્યું છે, જેમાંથી તે ત્રણ મેચ જીત્યું છે.

T20 વર્લ્ડકપ-2024માં ભારત સામે આફ્રિકાનો પરાજય

આજની મેચ પહેલા છેલ્લે 29 જૂન, 2024ના રોજ રમાયેલા છેલ્લા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટેના 177ના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકા આઠ વિકેટે 169 રન જ કરી શકી હતી અને હારી ગઈ હતી. હાર્દિકે ત્રણ અને બુમરાહ-અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી. કોહલીએ તે મેચમાં 59 બોલમાં 76 તેમજ અક્ષરે 31 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. ક્લાસેને 27 બોલમાં 52 રન સાથે જોરદાર લડત આપી હતી.

આ પણ વાંચો : જસપ્રીત બૂમરાહ બન્યો નંબર 1, સાઉથ આફ્રિકા સામે તોડયા બે રેકોર્ડ

સુપર-8માં કુલ આઠ ટીમો

ઉલ્લેખનીય છે કે, સુપર-8 રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.