IND vs ENG : ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝમાં રૅકોર્ડની વણઝાર, 93 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ
India vs England 5th Test : ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને છ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે બંને ટીમોએ કુલ પાંચ ટેસ્ટ મેચ સીરિઝમાંથી બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 396 રન નોંધાવ્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન અને બીજી ઇનિંગમાં 367 રન નોંધાવ્યા હતા. મેચમાં રૅકોર્ડની વાત કરીએ તો આકાશ દીપ, શુભમન ગીલ, જો રૂટ સહિત અનેક ખેલાડીઓએ રૅકોર્ડ નોંધાવ્યા છે. તો પાંચમી ટેસ્ટ મેચના તમામ રૅકોર્ડ પર કરીએ એક નજર...
ભારતે 93 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ
ભારતે ઓવલ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે વિદેશી પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન પહેલીવાર પાંચમી ટેસ્ટ મેચ જીતીને કમાલ કર્યો છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના 93 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર આવી સિદ્ધિ હાંસલ થઈ છે.
ભારતનો ટેસ્ટ શ્રેણીમાં 12મી સદીનો રૅકોર્ડ
ભારતીય ઓપનર જયસ્વાલે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી અને આ સાથે ભારતે આગવો ઇતિહાસ રચી દીધો હતો. ભારતે તેના ટેસ્ટ ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક ટેસ્ટ શ્રેણીમાં 12 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. અગાઉ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ 11 સદીનો ભારતીય રૅકોર્ડ હતો. જે ટીમ ઇન્ડિયાએ 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં નોંધાવ્યો હતો.
એક ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક સદીઓ
ભારતે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 12 સદીઓ નોંધાવી છે. આ પહેલા 1955માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાએ, 1982-83માં છ ટેસ્ટ મેચ શ્રેણીમાં ભારત સામે પાકિસ્તાને, 2003-2004માં ચાર ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સાઉથ આફ્રિકાએ જ્યારે 2025માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીની સીરિઝમાં ઇંગ્લૅન્ડ સામે કુલ 12 સદી નોંધાવી છે.
આ પણ વાંચો : IND vs ENG : ભારતનો ઐતિહાસિક વિજય, ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ, શ્રેણીનો 2-2થી અંત
આકાશ દીપ 14 વર્ષ બાદ અડધી સદી ફટકારનારો ભારતીય નાઇટવોચમેન
ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગમાં નાઇટવોચમેન તરીકે રમતાં અડધી સદી ફટકારી હતી. આ સાથે 14 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતીય નાઇટવોચમેનની સદી નોંધાઈ હતી. છેલ્લે આવી સિદ્ધિ વર્ષ 2011માં અમિત મિશ્રાએ ઇંગ્લૅન્ડ સામે જ 84 રન ફટકારીને નોંધાવી હતી. આકાશ દીપ એક ટેસ્ટ શ્રેણીમાં 10 વિકેટ ઝડપવાની સાથે અડધી સદી નોંધાવનારો ત્રીજો ભારતીય ઓલરાઉન્ડર બની ગયો છે.
લોકેશ રાહુલ શ્રેણીમાં 1066 બોલ રમ્યો
લોકેશ રાહુલ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં 1066 બોલ રમ્યો છે. એક જ શ્રેણીમાં સૌથી વઘુ બોલ રમ્યો હોય તેવા ઓપનરમાં તે સુનીલ ગાવસ્કરની હરોળમાં આવી ગયો છે. ગાવસ્કર પાંચ શ્રેણીમાં 1 હજારથી વઘુ બોલ રમ્યા છે જ્યારે 2014માં મુરલી વિજયે ઇંગ્લૅન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.
રૂટના ભારત સામે બે હજાર રન
જો રૂટે આજે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા છે. એક જ ટીમ સામે બે હજાર રન પૂરા કરનારો તે માત્ર બીજો બેટ્સમેન છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેને ઇંગ્લૅન્ડ સામે 2354 રન નોંધાવ્યા હતા.
ભારત સામે ટેસ્ટમાં સૌથી ઝડપી ઓપનિંગ ભાગીદારી
- 7.18 રનરેટ - આફ્રિદી-હમીદ - 2005
- 7.16 રનરેટ - ક્રોલે-ડકેટ - 2025
- 6.77 રનરેટ - દિલશાન-પર્ણાવિતાના - 2010
- 6.75 રનરેટ - ક્રોલે-ડકેટ - 2024
સિરાજની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ
બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે ફરી બખૂબી મોરચો સંભાળી લીધો હતો. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સિરાજે પાંચ ઇનિંગ્સમાં કુલ 23 વિકેટ ઝડપી છે. સિરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરનારો ભારતનો 15મો બોલર બની ગયો છે. ફાસ્ટ બોલર્સમાંથી કપિલદેવે સૌથી વઘુ 687, ઝહિર ખાને 610, જવાગલ શ્રીનાથે 551, મોહમ્મદ શમીએ 462 જ્યારે જસપ્રિત બુમરાહે 457 સાથે સૌથી વઘુ વિકેટ ખેરવી છે.
ગિલનો અનોખો રૅકોર્ડ, સતત પાંચ ટોસ હાર્યા
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં પણ ભારતીય ટીમનો કૅપ્ટન ગિલ ટોસ હારી ગયો હતો. આ સાથે ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં કુલ મળીને 15મો ટોસ ગુમાવ્યો હતો. જ્યારે કૅપ્ટન તરીકેની પ્રથમ શ્રેણીમાં જ ગિલે સતત પાંચ ટોસ ગુમાવવાનો નાલેશીભર્યો રૅકોર્ડ પણ સર્જ્યો હતો. પાંચ ટેસ્ટની શ્રેણીમાં કોઈ ટીમે સતત પાંચેય ટોસ ગુમાવ્યા હોય તેવી આ 14મી ઘટના હતી. 21મી સદીમાં અગાઉ આવી એકમાત્ર ઘટના 2018ના ભારતના ઇંગ્લૅન્ડ પ્રવાસમાં જોવા મળી હતી.
કૅપ્ટન ગિલે સિરિઝમાં 754 રન સાથે ગાવસ્કરનો 46 વર્ષ જુનો રૅકોર્ડ તોડ્યો
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે ભારતના કૅપ્ટન તરીકે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રૅકોર્ડ તોડી નાંખ્યો હતો. ગિલે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મેચમાં કુલ 754 નોંધાવ્યા છે. તે ગાવસ્કરની આગળ નીકળી ગયો હતો. ભારતના યુવા કૅપ્ટને આ ઉપરાંત વિદેશની ભૂમિ પર દ્વિપક્ષીય શ્રેણીમાં કૅપ્ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો વિન્ડિઝના લેજન્ડ ગેરી સોબર્સનો 59 વર્ષ જૂનો રૅકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. ભારતીય કૅપ્ટન ગિલે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં જબરજસ્ત દેખાવ કર્યો છે. તેણે 9 ઇનિંગમાં ચાર સદી ફટકારી છે, જેમાં 269 રનની ઇનિંગ પણ સામેલ છે. તેણે શ્રેણીમાં 754 રન ફટકારી દીધા છે. અગાઉ એક શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો રૅકોર્ડ ગાવસ્કરના નામે હતો. જેમણે 1978-79માં વિન્ડિઝ સામેની શ્રેણીમાં 732 રન ફટકાર્યા હતા.
ગિલે ગેરી સોબર્સનો પણ તોડ્યો રૅકોર્ડ
આ અગાઉ ગિલે ઓવલ ટેસ્ટમાં પહેલો રન નોંધાવ્યો, તેની સાથે તેણે ગેરી સોબર્સનો રૅકોર્ડ તોડી નાંખ્યો હતો. અત્યાર સુધી દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં વિદેશની ભૂમિ પર કૅપ્ટન તરીકે શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો રૅકોર્ડ વિન્ડિઝના ઘુરંધરના નામે હતો. જેમણે 1966માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં જ 722 રન નોંધાવ્યા હતા. ગિલે આ સાથે ઇંગ્લૅન્ડની ભૂમિ પર સૌથી વઘુ રન ફટકારનારો કૅપ્ટન પણ બની ગયો છે.
રૂટ અને બ્રૂક વચ્ચે 195 રનની ભાગીદારી
રૂટ અને બ્રૂકની જોડીએ ઇંગ્લૅન્ડને જીત તરફ અગ્રેસર કરતાં 195 રનની ભાગીદારી કરી હતી. બ્રૂકે 98 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 111 રન ફટકાર્યા હતા. જ્યારે રૂટે 152 બોલમાં 12 ચોગ્ગા સાથે 105 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ જીતની નજીક પહોંચી ગયું હતુ ત્યારે જ આકાશ દીપે બ્રૂક અને ત્યાર બાદ પ્રસિધ ક્રિશ્નાએ બેથેલ બાદ રૂટને આઉટ કરતાં બાજી પલ્ટી ગઈ હતી. ત્યારબાદ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે ઇંગ્લૅન્ડને 6 રને પરાજય આપી દીધો છે.
રૂટની રૅકોર્ડ 39મી ટેસ્ટ સદી
- રૂટે સૌથી વઘુ ટેસ્ટ સદી ફટકારવામાં સંગાકારા (38 સદી)ને ઓવરટેક કરતાં ચોથું સ્થાન મેળવ્યું હતુ. હવે તેની આગળ તેંડુલકર (51 સદી), કાલીસ (45) અને પોન્ટિંગ (41) જ છે.
- રૂટે ભારત સામે 13મી ટેસ્ટ સદી ફટકારી હતી. તે ભારત સામે સૌથી વઘુ ટેસ્ટ સદી ફટકારનારો બેટ્સમેન છે. તે એક દેશ સામે સૌથી વઘુ ટેસ્ટ સદી ફટકારવામાં ગાવસ્કર (13 સદી વિ. વિન્ડિઝ)ની બરોબરીએ આવી ગયો છે. આ યાદીમાં બ્રેડમેન (19 ટેસ્ટ સદી, વિ. ઇંગ્લૅન્ડ) ટોચ પર છે.
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 6000 રન પૂરા કરનારો સૌપ્રથમ બેટ્સમેન.
- રૂટની ભારત સામે આ તમામ ફોર્મેટમાં કુલ મળીને 16મી સદી છે. તે તમામ ફોર્મેટમાં કુલ મળીને ભારત સામે સૌથી વઘુ સદી ફટકારવામાં સ્ટીવ સ્મિથની બરોબરીએ આવી ગયો છે.
બેટિંગ લેજન્ડ ગાવસ્કરની કૅપ્ટન ગિલને વિશેષ ભેટ
ભારતના બેટિંગ લેજન્ડ સુનિલ ગાવસ્કરે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારકિર્દીમાં પહેલીવાર કૅપ્ટન્સી કરતાં શુબ્મન ગિલે ફટકારેલા 754 રનની સિદ્ધિને બિરદાવી હતી. ગાવસ્કરે યુવા કૅપ્ટન ગિલને એક ઓટોગ્રાફવાળી કેપ અને શર્ટ ભેટમાં આપ્યો હતો. ગિલે ભારતીય ટેસ્ટ કૅપ્ટન તરીકે એક શ્રેણીમાં સૌથી વઘુ 732 રનનો ગાવસ્કરનો રૅકોર્ડ તોડ્યો હતો. જોકે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ 774 રનના ગાવસ્કરના રૅકોર્ડથી તે વંચિત રહી ગયો હતો. અલબા, ગાવસ્કરે તેમની મહાનતા દર્શાવતા કહ્યું હતુ કે, મારા વિન્ડિઝ સામેના 774 રન કરતાં ગિલે કૅપ્ટન હોવા છતાં ફટકારેલા 754 રન ચઢિયાતા કહેવાય. હું તે સમયે (1971)માં ટીમમાં સાવ નવોસવો હતો અને જો હું નિષ્ફળ જાત તો પણ કોઈ મારો હૂરિયો બોલાવવાનું નહતુ. જ્યારે કૅપ્ટન તરીકેની જવાબદારી સાથે બેટિંગમાં પણ શાનદાર દેખાવ કરતાં 750થી વઘુ રન ફટકારવા એ ઘણી મોટી વાત કહેવાય.
સિરાજે બ્રકનો કેચ ઝડપ્યો પણ પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો
ઓવલની પાંચમી ટેસ્ટમાં ભારતની પાસે બ્રૂકને સસ્તામાં આઉટ કરવાની તક હતી. ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગની 35મી ઓવર પ્રસિધ ક્રિશ્નાએ નાંખી હતી અને તેના પહેલા જ બોલ પર 19 રને રમતાં બ્રૂકે બોલને હવામાં ઊંચે ફટકાર્યો હતો. બોલ ફાઈન લેગ પર બાઉન્ડ્રીની નજીક પહોંચ્યો હતો અને ત્યાં સિરાજ ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. સિરાજે કેચ તો ઝડપી લીધો પણ સંતુલન જાળવવાના પ્રયાસમાં તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો હતો અને બ્રૂકને જીવતદાન સાથે છગ્ગો મળ્યો હતો. 34મી ઓવરના અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર 137/3 હતો. જો આ તબક્કે વઘુ એક વિકેટ પડી હોત તો મેચનું પાસું ચોથા દિવસે જ પલટાઈ ગયું હોત. આખરે સિરાજે જ બ્રૂકનો કેચ ઝડપ્યો હતો, પણ ત્યારે તે 111 રન કરીને આઉટ થયો હતો.