એશિયા કપ 2025: બે ગુજરાતી ખેલાડી બની શકે છે કેપ્ટન અને વાઈસ કેપ્ટન, જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11
Asia Cup 2025: એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. 9 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં આ ટુર્નામેન્ટ રમાશે. વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકામાં ટી 20 વર્લ્ડકપનું આયોજન થશે, તે જોતા આ વર્ષે એશિયા કપ પણ ટી 20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને એશિયા કપ 2025ની ટ્રોફી જીતવા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
એશિયા કપ 2025 માટે આ ખેલાડીઓની પસંદગી થઈ શકે છે
એશિયા કપ 2025 માટે ભારતની એક મજબૂત ટીમ તૈયાર થઇ શકે છે. જેમાં 15 ખેલાડી સામેલ થશે. એશિયા કપ ટૂર્નામેન્ટ શરૂ થવાની પહેલા એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ટી 20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટમાં નહીં રમે. સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે. તેણે હાલમાં તેની સર્જરી કરાવી હતી. આ પરિસ્થિતિમાં બોર્ડ સૂર્ય કુમારની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી શકે છે.
યશસ્વી અને બુમરાહ માટે એશિયા કપ રમવું મુશ્કેલ
રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થયા પછી બુમરાહને આરામ આપવા માંગે છે. આ સંજોગે ભારતના સ્ટાર બોલર માટે એશિયા કપ રમવું મુશ્કેલ છે. બુમરાહે T20ની છેલ્લી મેચ વર્લ્ડકપ 2024 ફાઇનલમાં રમી હતી. રિપોર્ટ પ્રમાણે યશસ્વી જયસ્વાલ માટે એશિયા કપ 2025 માટે ભારતની T20 ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. કારણ કે શુભમન ગિલ, સંજુ સેમસન અને અભિષેક શર્મા જેવા ઓપનિંગ બેટ્સમેન માટે પહેલાથી જ વિકલ્પો ઉપલબ્ધ છે.
અક્ષર પટેલ બની શકે છે વાઇસ કેપ્ટન?
રિપોર્ટ પ્રમાણે ભારતના ટોપ ઓલરાઉન્ડર અક્ષર પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી શકે છે, ત્યારે વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. ઝડપી બોલર અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા અથવા યશ દયાલને સ્થાન મળી શકે છે. સ્પીનર તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવતીને સ્થાન મળી શકે તેવા રિપોર્ટ છે.
એશિયા કપ 2025 માટે ભારતનો સ્કવૉડ
એશિય કપ 2025 માટે ભારતના 15 ખેલાડીઓની પસંદગી કંઈક આ રીતે હોઈ શકે છે. હાર્દિક પંડયા (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, તિલક વર્મા, રીંકુ સિંહ, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા/ યશ દયાલ/ પ્રસિધ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મોહોમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.