For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીજી ટેસ્ટમાં રોહિત શર્માના 161: ભારતના ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે 300 રન

રોહિત અને રહાણે (67) વચ્ચે ચોથી વિકેટની 162 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી

વિરાટ કોહલી પહેલી વખત શૂન્યમાં સ્પિનર સામે બોલ્ડ થયોઃ

Updated: Feb 13th, 2021

Article Content Image

ચેન્નાઈ, 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે હિટમેન રોહિત શર્માની સદીની મદદથી પહેલા દિવસની રમતના અંતે ૬ વિકેટે ૩૦૦ રન કર્યા હતા. રોહિત શર્માએ કારકિર્ટીની સાતમી સદી ફટકારતા ૨૩૧ બોલમાં ૧૮ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૧ રન કર્યા હતા. રોહિત શર્માએ આ દરમિયાન રહાણે સાથે ચોથી વિકેટની ૧૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ દિવસની રમતના અંતે રિષભ પંત ૩૩ અને અક્ષર પટેલ પાંચ રને રમતમાં હતા. 

ભારતે ટોસ જીત્યો

પહેલી ટેસ્ટમાં ટોસ જીતવામાં મળેલી નિષ્ફળતા પછી બીજી ટેસ્ટમાં ભારતે અત્યંત મહત્ત્વનો ટોસ જીત્યો હતો. ભારતે તરત જ ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ પણ જણાવ્યું હતું કે પહેલી ટેસ્ટમાં ભારતના પરાજયમાં ટોસનો અને પહેલી ઇનિંગ્સની નબળી બેટિંગનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.આમ હવે બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતવાનો મહત્ત્વનો ફાયદો મેળવી લીધો છે અને તેનો તે કેટલો લાભ ઉઠાવી શકે છે તે જોવાનું રહેશે.

૮૬ રનમાં ૩ વિકેટ

ભારતે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી શૂન્ય રને જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઓપનર શુબમન ગિલ ઓલી સ્ટોનના અંદર આવતા બોલને એવોઇડ કરતા લેગબિફોર થયો હતો. તેણે ખાતુ પણ ખોલાવ્યું ન હતું. તેના પછી રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટની ૮૫ રનની ભાગીદારી નોંધાઈ હતી. પણ પૂજારાના આઉટ થયા પછી એક જબરજસ્ત ટર્નમાં કોહલી પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થતાં ભારત ૮૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. આ સમયે લાગ્યું હતું કે ભારતે ટોસ જીતવાનો ફાયદો ગુમાવી દીધો છે.

રોહિત શર્માએ બાજી સંભાળી

બીજા છેડે ત્રણ વિકેટો પડી ગઈ હતી ત્યારે રોહિત શર્માએ અત્યંત આકર્ષક બેટિંગ કરતાં બીજા છેડે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. આમ તેણે ઇંગ્લેન્ડના બોલરો પર સતત દબાણ જારી રાખ્યું હતું. તેના પછી રોહિત શર્મા અને રહાણેએ લંચથી ટીમના સત્રમાં ભારતને જરા પણ નુકસાન થવા દીધુ ન હતુ અને સ્કોરબોર્ડ ફરતું રાક્યું હતું. લંચ બાદ રોહિત શર્માએ તેની કારકિર્દીની સાતમી સદી ફક્ત ૧૩૦ બોલમાં ૧૪ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પૂરી કરી હતી. 

રોહિત અને રહાણેની ભાગીદારી

આજના દિવસની મુખ્ય હાઇલાઇટ્સ રોહિત શર્માની સદી અને રહાણે સાથે નોંધાયેલી ચોથી વિકેટની ૧૬૨ રનની ભાગીદારી હતી. આ ભાગીદારી મહત્ત્વની એટલા માટે હતી કેમકે ભારતે એક સમયે ૮૬ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા આઉટ થયો અને તેની સાથે તરત જ રહાણે પણ આઉટ થઈ ગયો હતો. 

મોઇન અલી કોહલીને આઉટ કરવા છતાં ઇંગ્લેન્ડનો મોંઘો બોલર

ઇંગ્લેન્ડ તરફથી જેક લીચ અને મોઇન અલીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટોને એક વિકેટ ઝડપી હતી. મોઇન અલીએ બે વિકેટ ઝડપી હતી, પરંતુ તેના માટે તેણે ૨૬ ઓવરમાં ૧૧૨ રન આપ્યા હતા.

દરેક સેશનમાં ભારતનો સ્કોર

 લંચ વખતે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૦૬ રન હતો, તેમાથી ૮૦ રન તો રોહિત શર્માના જ હતા અને તે તેણે ફક્ત ૭૮ બોલમાં કર્યા હતા.ભારતે લંચથી ટીના સત્રમાં ૮૩ રન ઉમેર્યા હતા, પરંતુ એકપણ વિકેટ ગુમાવી ન હતી. જ્યારે ટીથી દિવસના અંત સુધીના છેલ્લા સત્રમાં ૧૧૧ રન ઉમેર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી. આ વિકેટ રોહિત શર્મા, રહાણે અને અશ્વિનની હતી. ભારતે ૧૦૦ રન ૨૪.૩ ઓવરમાં ૩ વિકેટે, ૨૦૦ રન ૫૭.૫ ઓવરમાં ૩ વિકેટે અને ૩૦૦ રન ૮૭.૩ ઓવરમાં ૬ વિકેટે કર્યા હતા. ઇંગ્લેન્ડે ૮૫.૪ ઓવર બાદ નવો બોલ લીધો હતો. 

ભારત પ્રથમ ઇનિંગ્સ

રન બોલ 4 6

રોહિત કો. અલી બો. લીચ ૧૬૧ ૨૩૧ ૧૮

ગીલ લ લેગબિફોર બો. સ્ટોન ૦૦ ૦૩

પૂજારા કો. સ્ટોક બો. લીચ ૨૧ ૫૮

કોહલી બો. અલી ૦૦ ૦૫

રહાણે બો. અલી ૬૭ ૧૪૯

પંત અણનમ ૩૩ ૫૬

અશ્વિન કો. પોપ બો. રુટ ૧૩ ૧૯

અક્ષર પટેલ અણનમ ૦૫ ૦૭

કુલ ૮૮ ઓવરમાં ૬ વિકટે ૩૦૦

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૦ (ગીલ, ૧.૩), ૨-૮૫ (પૂજારા, ૨૦.૨), ૩-૮૬ (કોહલી, ૨૧.૨), ૪-૨૪૮ (રોહિત શર્મા, ૭૨.૬), ૫-૨૪૯ (રહાણે, ૭૫.૨), ૬-૨૮૪ (અશ્વિન, ૮૨.૩)

બોલિંગઃ બ્રોડ ૧૧-૨-૩૭-૦, સ્ટોન ૧૫-૫-૪૨-૧, લીચ ૨૬-૨-૭૬-૨, સ્ટોક્સ ૨-૦-૧૬-૦, મોઇન અલી ૨૬-૩-૧૧૨-૨, રુટ ૮-૨-૧૫-૧.


Gujarat