Get The App

IND vs SA : છેલ્લી ઓવરમાં ભારતે 17 રનથી મેચ જીતી, પહેલી વનડેમાં સાઉથ આફ્રિકાની ટીમ 332 રનમાં સમેટાઇ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
IND vs SA

IND vs SA 1st ODI Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે, 30 નવેમ્બરે રાંચીમાં 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારે રસાકસી બાદ ભારતની 17 રને જીત થઇ છે. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 350 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ શાનદાર લડત આપી હોવ છતાં આખી ટીમ 332 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 

મેચમાં ભારતનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે સારું પ્રદર્શન કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટે 120 બોલમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ ઉપરાંત રોહિત શર્મા અને કે.એલ. રાહુલે પણ સારી બેટિંગ કરી હતી. રોહિતે 51 બોલમાં 57 અને રાહુલે 56 બોલમાં 60 રન બનાવ્યા હતા. 

ભારતની બોલિંગની વાત કરીએ તો, કુલદીપ યાદવે 10 ઓવરમાં માત્ર 68 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ સિવાય હર્ષિત રાણાએ પણ 3 વિકેટ અને અર્શદિપ સિંહે 2 અને પ્રસિધ કૃષ્ણાએ 1 વિકેટ ખેરવી હતી. 

આ પણ વાંચોઃ VIDEO: 'કિંગ' કોહલીનો ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘુસ્યો, પૂર્વ કેપ્ટનના પગમાં પડી ગયો

મેચમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન

350 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમની શરુઆત સારી નહોતી. કેપ્ટન એડન માર્કરામ 15 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત રિયાન રિકલ્ટન અને ક્વિનટન ડિ કોક તો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા થયા હતા. જો કે, ત્યારબાદના બેટર્સે સારી બેટિંગ કરતા બાજી સંભાળી હતી. 

ચોથા ક્રમે આવેલા મેથ્યુ બ્રિત્ઝ્કે 80 બોલમાં 72 રન અને સાતમા ક્રમે આવેલા માર્કો યાન્સને 39 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોર્બિન બોશે પણ 51 બોલમાં 67 રન બનાવીને સાઉથ આફ્રિકાને સન્માનજનક સ્કોર પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

બીજી બાજુ, બોલિંગમાં પણ સાઉથ આફ્રિકાના બોલર્સે સારો દેખાવ કર્યો હતો. માર્કો યાન્સન, નાન્દ્રે બર્ગર, કોર્બિન બોશ અને ઓટનેઇલ બાર્ટમેને 2-2 વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ વિરાટ કોહલીની 83મી સદી, ચાહકો ખુશખુશાલ: ધુંઆધાર બેટિંગથી અનેક રેકોર્ડ ધ્વસ્ત, જુઓ લિસ્ટ

રોહિતનો વર્લ્ડ રેકોર્ડ

આ મેચમાં 3 છગ્ગા ફટકારતા જ રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

વિરાટ કોહલીની રેકોર્ડ્સની વણઝાર

વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની 83મી અને વનડે ફોર્મેટની 52મી સદી ફટકારી. આ સાથે જ તેણે કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત તેણે સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ (6) સદી ફટકારવાનો અને વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ સર્જી દીધો છે.