બુમરાહને આરામ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી... ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં થઈ શકે 3 ફેરફાર
IND vs ENG 2nd Test : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ બર્મિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજ થયો હતો, ત્યારબાદ હાર બદલ બોલરોને જવાબદાર ઠેરવાયા હતા. ભારતે બીજી ઈનિંગમાં 364 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમને લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચી ગઈ હતી, જે એક ભારતીય બોલરોની નિષ્ફળતા દર્શાવે છે. હવે બીજી ટેસ્ટ મેચ અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર થઈ શકે છે.
બુમરાહ આઉટ, અર્શદીપની એન્ટ્રી
ક્રિકબ્લોગરના રિપોર્ટ મુજબ, ‘ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બે જુલાઈથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)નો સમાવેશ કરાયો નથી, તેના સ્થાને અર્શદીપ સિંઘ (Arshdeep Singh)ને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. અર્શદીપે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ તે કાઉન્ટી ચેમ્પિયનશીપ રમી ચુક્યો હોવાથી ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ ધરાવે છે. અર્શદીપ નેટ્સ પર નવી અને જૂના બોલ પર અભ્યાસ કરતો જોવા મળ્યો છે. તે બોલિંગમાં બંને તરફ સ્વિંગ કરવાની શક્તિ ધરાવે છે, તેથી તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં મેદાનમાં ઉતારવો કોઈ ચોંકાવનારી વાત નથી.
આ પણ વાંચો : ભારત સામે 97 રનથી જીત બાદ પણ ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, ICCએ ફટકાર્યો દંડ, જાણો કારણ
આકાશદીપ-કુલદીપને મળી શકે છે તક
રિપોર્ટ મુજબ પ્રસિધ્ધ કૃષ્ણા (Prasidh Krishna)ને સામાન્ય ઈજા થઈ છે. જો તે અનફીટ રહેશે તો તેના સ્થાને આકાશ દીપ (Akash Deep)ને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. સૌથી મોટા સમાચાર એવા છે કે, બીજી ટેસ્ટ મેચના પ્લેઈંગ-11માંથી શાર્દુલ ઠાકુર (Shardul Thakur)નું પત્તુ કપાઈ શકે છે. તેણે પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં કુલ પાંચ રન નોંધાવ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી, તેથી તેના સ્થાને કુદલીપ યાદવ (Kuldeep Yadav)નો સમાવેશ થવાની સંભાવના છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કરૂણ નાયરે બંને ઈનિંગમાં કુલ 20 રન અને સાઈ સુદર્શને 30 રન કર્યા હતા, તેમ છતાં એવું મનાઈ રહ્યું છે કે, બંનેને ટીમમાં જ રખાશે.
આ પણ વાંચો : ભારત-ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં લાગુ થશે નવા નિયમો, ICCએ લીધો મોટો નિર્ણય