ભારત સામે 97 રનથી જીત બાદ પણ ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, ICCએ ફટકાર્યો દંડ, જાણો કારણ
England Team Fined for Slow Over Rate : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતની મહિલા ટીમે 97 રને વિજય મેળવ્યા બાદ ઈંગ્લેન્ડને બીજો મોટો ઝટકો લાગ્યો છે. આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ ઈંગ્લેન્ડની મહિલા ટીમને દંડ ફટકાર્યો છે. મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 112 રન ફટકાર્યા હતા. જીત ભારત પાંચ ટી20 શ્રેણીમાં 1-0થી આગળ આવી ગઈ છે.
ઈંગ્લેન્ડની ટીમને મેચ ફીના પાંચ ટકા દંડ
આઈસીસીના સત્તાવાર સ્ટેટમેન્ટમાં લખાયું છે કે, ઈંગ્લેન્ડની મહિલા ટીમે નિર્ધારીત સમયનું ઉલ્લંઘન કરી બે ઓવર ઓછી ફેંકી હોવાનું મેચ રેફરીના ધ્યાને આવ્યું છે, તેની આઈસીસીના નિયમ 2.22 હેઠળ સ્લો ઓવર રેટનું ધ્યાને આવતા ઈંગ્લેન્ડને દંડ ફટકારવામાં આવ્યો છે. જો ટીમ નિર્ધારીત સમયમાં તમામ ઓવરો પુરી ન કરે, તો નિર્ધારીય સમય બાદ ફેંકવામાં આવેલ ઓવર માટે ખેલાડીઓને દંડ ફટકારવામાં આવે છે, તેથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત-ઈંગ્લેન્ડની મેચ પૂરી થયા બાદ મેચના ચારેય એમ્પાયરોએ સ્લો-ઓવર રેટની ફરિયાદ કરી હતી, જેને ઈંગ્લેન્ડની સુકાની નૈટ સાઈવર બ્રંટે સ્વિકારી લીધું છે. ત્યારબાદ આઈસીસીએ ટીમને દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો : IND vs ENG: શુભમન ગિલ પર કેમ ભડક્યો આર. અશ્વિન? મેચ વિનર ખેલાડીને નજરઅંદાજ કરવાનો આરોપ
ઈંગ્લેન્ડની ભારત સામે શરમજનક હાર
ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20માં 62 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 112 રન ફટકાર્યા હતા. આ સાથે મંધાનાએ ટી-20માં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે તે ટેસ્ટ, વન ડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારી ભારતની સૌપ્રથમ મહિલા બેટર બની ગઈ હતી. મંધાનાની સદીની મદદથી ભારતે પાંચ વિકેટે 210 રન ખડક્યા હતા. જે પછી કારકિર્દીની પ્રથમ મેચ રમી રહેલી શ્રી ચરણીએ 12 રનમાં ચાર વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડ 113 રનમાં ખખડયું હતુ અને 97 રનથી હારી ગયું હતુ. જે ઈંગ્લેન્ડની મહિલા ટીમનો ટી-20માં સૌથી કારમો પરાજય હતો. નેટ સિવર બ્રન્ટના 66 રન હતા. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. મંધાનાએ શેફાલી (20) સાથે 8.3 ઓવરમાં 77 રન જોડ્યા હતા. જ્યારે મંધાના અને હર્લીન દેઓલ (43)ની જોડીએ બીજી વિકેટમાં 45 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. લૌરેન બેલે હર્લીન બાદ રિચા (12) અને જેમીમા (0)ને સસ્તામાં આઉટ કરી હતી, છતાં ભારતે 210/5નો સ્કોર નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : વિવાદિત અમ્પાયરિંગ સામે અવાજ ઊઠાવનાર વેસ્ટ ઈન્ડિઝના કોચને ICCએ ફટકાર્યો મોટો દંડ